હિન્દ ન્યુઝ, જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ જોડીયા તાલુકાના લખતર, ભાદરા, બાલંભા, રણજીતપર, હીરાપર વગેરે ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મંત્રીએ આ તકે ખેતરોની જાત મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી પૂર્ણ વહેલી તકે ખેડૂતોને નુકસાની અંગેની સહાય ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન મંત્રીએ વિવિધ સ્થળોએ ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી તેઓના સિંચાઈ, પાક ધોવાણ, પીવાના પાણીની સમસ્યા વગેરે બાબતોને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ સત્વરે આ પ્રશ્નો અંગે કાર્યવાહી કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ તકે મંત્રીએ ખેતીવાડી વિભાગના ઉપસ્થિત અધિકારીઓને ગામોનો સંપૂર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.
મુલાકાત દરમિયાન મંત્રી સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જોડીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જેઠાલાલ અઘેરા, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન રસિકભાઈ ભંડેરી, જોડીયા માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન ચિરાગ વાંક, ભરતભાઈ દલસાણીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલ, સ્થાનિક આગેવાનો, સરપંચઓ વગેરે જોડાયા હતા.