હિન્દ ન્યુઝ, ઓલપાડ
ઓલપાડના લવાછા ગામે સત્યનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા લવાછા ગ્રામ પંચાયતના સહયોગથી વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગંગા સ્વરૂપા બહેનોનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામની ૪૦૦થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને સાડી, મીઠાઈ અને દીવડાઓ અર્પણ કરવામાં આવ્યા હતા. મંત્રીએ ગંગાસ્વરૂપા મહિલાઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામની ૧૫,૦૦૦થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ દર મહિને રૂ.૧૨૫૦ની પેન્શનની રકમ આપવામાં આવે છે. ગંગાસ્વરૂપા બહેનો પોતાનું જીવન સ્વમાન ભેર જીવી શકે તે માટે રાજ્ય સરકારે પેન્શન વધારીને રૂ.૧૨૫૦ કર્યું છે. ગંગા સ્વરૂપા બહેન પુનઃ લગ્ન ન કરે ત્યાં સુધી પેન્શન મળતું રહેશે. અને પુનઃ લગ્ન ન કરે તો જીવે ત્યાં સુધી પેન્શન મળતું રહશે તેવી સરકારે વ્યવસ્થા કરી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સહાયની રકમ સીધા જ લાભાર્થીના ખાતા જમાં થાય છે.
આ પ્રસંગે તા.પં. ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ, અજય ઉપાધ્યાય, આનંદ ઉપાધ્યાય, જયેશભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, ગંગાસ્વરૂપા બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.