હિન્દ ન્યુઝ, આણંદ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના માનવીને કોઈ અગવડ ન પડે અને તે મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના કેન્દ્ર સ્થાને સમાજનો છેવાડાનો માનવી છે.કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભ ઘર ઘર સુધી પહોંચ્યા છે જેને પરિણામે લોકો આર્થિક રીતે સશક્ત થઈ રહ્યા છે. જન સંવાદ કાર્યક્રમ દ્વારા નાગરિકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસન નેતૃત્વના ૨૩ વર્ષની ઉજવણી વિકાસ સપ્તાહ દ્વારા કરી છે.વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે ત્યારે વિવિધ વિકાસ કામો ગુણવત્તાયુક્ત થાય તે જોવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આણંદ જિલ્લાના ભાદરણ ખાતે જન સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સહજ સંવાદ સાધ્યો હતો.આ અવસરે મુખ્ય મંત્રીના હસ્તે વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં ગુજરાત નાણાંકીય વ્યવસ્થાપનમાં અગ્રેસર છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે,રાજ્યમાં નાણાંના અભાવે વિકાસનું એક પણ કામ અટકવાનું નથી. ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિકાસ કામોનું આયોજનબદ્ધ રીતે આયોજન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત @૨૦૪૭ ની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સૌના સહકારથી લીડ લઈ રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ચરોતરનું પેરિસ એવા ભાદરણ ગામે વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી છે,ત્યારે અન્ય ગામોએ પણ ભાદરણ ગામમાંથી પ્રેરણા લઈ વિકાસના પંથે આગળ વધવા તેમણે હાકલ કરી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ કરવાની હૈયાધારણ આપી હતી.ભાદરણમાં ઘર વિહોણા લોકો માટે વધુ બે એકર જમીન ફાળવવાની સ્થળ પર જ જાહેરાત કરવામાં આવી હતી.ગામમાં ગંદા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી અનુદાન ફાળવવામાં આવશે.ગ્રામ સંવાદમાં રજૂ થયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ કરવા મુખ્ય મંત્રીએ અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી.
બોરસદ તેમજ કાંઠા ગાળાના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય તે માટે સરકાર જરૂરી તમામ પ્રયાસો કરશે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાદરણ સ્થિત ત્રિમંદિરની મુલાકાત લઈ દર્શન અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રીની સાદગી, સહજતા અને ગ્રામીણ નાગરિકો સાથેનો ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઇને ગ્રામજનોના મુખ પર પોતીકી સરકારના પોતાના મુખ્યમંત્રીનો સંતોષ દેખાતો હતો.
પ્રારંભમાં કલેકટર પ્રવિણ ચૌધરીએ સૌનો આવકાર કરતા જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ગ્રામ સંવાદ કાર્યક્રમ હેઠળ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ છેલ્લા ચાર માસમાં ૨૦૫ ગામોની મુલાકાત લઈ ૭૦૦ જેટલા પ્રશ્નોનો સુખદ ઉકેલ કરવામાં આવ્યો છે.અંતમાં ભાદરણના સરપંચ ઉદયભાઈ પટેલે આભારવિધિ કરી હતી. આ ગ્રામ સંવાદ કાર્યક્રમમાં આર.બી.એસ.કે અને મિશન મંગલમ યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવો રજૂ કરી રાજ્ય સરકારની યોજના થકી પોતાના જીવનમાં આવેલ પરિવર્તનની ગાથા રજૂ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, અગ્રણી રાજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મિહિર ભાઈ પટેલ,તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહિત નાગરિકો હાજર રહ્યા હતા.