હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શારદીય નવરાત્રી અને વિજયાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના નવ દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા કરવામાં આવી હતી. તેમજ સમગ્ર નવરાત્રિમાં સોમનાથ મહાદેવને માતા શક્તિના વિવિધ સ્વરૂપો દર્શાવતા દેવી દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. અષ્ટમીના દિવસે શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે અને શ્રી સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં વિધિવત હવન કરવામાં આવ્યું હતું.
ત્રિંશોપચાર પૂજા સાથે નવરાત્રિનું સમાપન:
વિજયાદશમીના દિવસે ટ્રસ્ટના શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રીરામને પ્રિય એવી ત્રિંશોપચાર પૂજા કરી નવરાત્ર મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.
ટ્રસ્ટની અનોખી પહેલ અંત્યોદયનું પ્રતીક:
શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અંત્યોદયના સંકલ્પને સાકાર કરતાં ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં સમગ્ર સોમનાથ તીર્થને નિર્મળ રાખનાર સફાઈ કર્મચારીઓને આ પૂજાના યજમાન બનાવ્યા હતા. સફાઈ કર્મચારીઓને પૂજાના યજમાન બનાવીને ટ્રસ્ટે સમાજના આ મહત્વપૂર્ણ આંશને ઉચિત સન્માન આપ્યું હતું. પ્રભુ શ્રીરામ જન જનના ઇષ્ટ છે અને સફાઈ કર્મચારીઓ સમગ્ર તીર્થને નિર્મળ રાખીને આ દિવ્ય સેવાનું કાર્ય કરે છે. જેથી પ્રભુ શ્રીરામના પૂજનનો વિશેષ અવસર એમની યજમાનીમાં ઉજવવામાં આવ્યો હતો.
સોમનાથમાં સૌહાર્દની ભવ્ય પરંપરા:
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય ઉજવણીએ સોમનાથની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાને વધુ મજબૂત બનાવી છે. સફાઈ કર્મચારીઓને પૂજાના યજમાન બનાવીને ટ્રસ્ટે સમાજમાં સમાનતા અને એકતાનું સંદેશો આપ્યો હતો.