હિન્દ ન્યુઝ, રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ભારત વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ પ્રભાગ પ્રેરિત અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શનમાં રાજકોટમાં ‘આયુષ મેળો-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે.
વિકાસ સપ્તાહ ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઉપક્રમે ૧૧મી ઓક્ટોબર ને શુક્રવારે ‘આયુષ મેળો’ જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે, સવારે ૯થી સાંજે પાંચ કલાક સુધી યોજાશે. જેમાં આયુર્વેદ નિદાન સારવાર, હોમિયોપથી નિદાન સારવાર, યોગ માર્ગદર્શન, અગ્નિકર્મ સારવાર, પંચકર્મ નિદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, સુવર્ણપ્રાશન, દંતોત્પાટન, મર્મ ચિકિત્સા વગેરે સેવાઓનો લાભ દર્દીઓને મળી શકશે.