શેરડીના ઊભા પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે ખેડુતોએ લેવાની તકેદારીઓ

હિન્દ ન્યુઝ, સુરત

 શેરડીના પાનમાંથી રસ ચૂસતી જીવાતોનું સંકલિત નિયંત્રણ:

(૧) પાયરીલા (કૂદકૂદીયાં)ના જૈવિક નિયંત્રક માટે જે ખેતરમાં મોટા પ્રમાણમાં એપીરીકેનીયા હોય ત્યાં પાન પર જોવા મળતાં ઈંડાના સમૂહો અને કોશેટોવાળા પાન તોડી લઈ તેને કાતરથી કાપી નાના ટુકડા કરવા. આવા ટુકડાને સામાન્ય હેરફેર માટે વપરાતી પ્લાસ્ટિકની કેસમાં એકત્રિત કરવા જેથી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતી વખતે ઇંડા અને કોશેટાને નુક્સાન ન થાય, સવારના સમયે પાયરીલાના ઉપદ્રવવાળા ખેતરમાં વચ્ચે જઈ જે પાન પર પાયરીલાના બચ્ચાં તથા પુખ્ત જોવા મળે તે પાન પર એપીરીકેનીયા ઈંડાના સમુહ અથવા કોશેટો બહારની બાજુ રહે તે રીતે સ્ટેપલ કરવો. એક હેક્ટર વિસ્તારમાં એક લાખ ઈંડાં (૨૦૦ ઇંડાના સમૂહ) અથવા ૨૦૦૦ કોશેટાઓ (અંદાજે ૧૦ કોશેટા/પાન પ્રમાણે ૨૦૦ પાન) છોડવાની ભલામણ છે.

(૨) સફેદમાખીના નિયંત્રણ માટે વધારાના પાણીના નિતારની વ્યવસ્થા કરવી ઢળી ગયેલી શેરડીમાં ઉપદ્રવ વધુ જોવા મળતો હોવાથી સમયસર પાળા ચઢાવવાની કામગીરી પૂર્ણ કરવી, જીવાતના યજમાન તરીકે કામ કરતા નીંદણ જેવા કે ધરો અને ચીઢો દૂર કરવા, શેઢાપાળા સાફ રાખવા તથા ખેતર નીંદામણ મુકત રાખવું. ભલામણ મુજબ રાસાયણિક ખાતરો વાપરવા. રોપાણ પાક કરતાં લામ પાકમાં ઉપદ્રવ વધુ જોવા મળતો હોવાથી એક કરતાં વધુ લામ પાક લેવા નહીં. ઉપદ્રવાળા ટાલામાં ઉપદ્રવિત પાન તોડી બાળી દેવા. વુલી એફીડના ઉપદ્રવાળી શેરડીની કાપણી તાત્કાલિક કરાવવી અને કાપણીબાદ અવષેશો બાળી દેવા. સફેદમાખીના જૈવિક નિયંત્રણ માટે બચ્ચાં/ કોશેટાના પરજીવી એનકાસર્સીયા મેક્રોપ્ટેરાની વૃધ્ધિ કરવા ૪૦ મેશના પાંજરાની સંખ્યા ૧૦ થી ૨૦ પ્રતિ હેક્ટર રાખવી અને પાંજરામાં ૧૦ થી ૨૦ દિવસે વધુ ઉપદ્રવિત કોશેટાવાળા પાન કાપીને નાંખવા તથા ૧૫ દિવસે પાન બદલતા રહેવા. લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. તથા ૨૦૦ ગ્રામ યુરિયા તેમજ ૧ ચમચી ડિટર્જન્ટ પાવડર ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સફેદમાખીના રાસાયણિક નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસપી ૧૨ ગ્રામ, ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ % એસએલ ૩ મિ.લિ. ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. કીટનાશક દવાની અસરકારકતા વધારવા માટે આવા પ્રવાહી મિશ્રણમાં ૧૦ મિ.લિ. સ્ટીકર અથવા એક ચમચી ડીટરજન્ટ પાઉડર ભેળવવું.

  (૩) પાનકથીરી બરુ ઘાસ (જોન્સન ગ્રાસ) ઉપર આખા વર્ષ દરમિયાન જોવા મળતી હોઇ આ ઘાસનો ઉખેડીને નાશ કરવો. લીંબોળીના મીજનું ૫% (૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં) દ્રાવણ અથવા લીંબોળીના તેલના (૩૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં) દ્રાવણનો ઉપયોગ કરવો. સીન્થેટીક પાઈરૈયોઈડ ગૃપની દવાના વપરાશથી કથીરીનો પુનઃપ્રકોપ (વસ્તી વિસ્ફોટ) થતો હોઈ આ ગ્રૂપની દવાનો ઉપયોગ ટાળવો. કથીરીનાશક દવા પ્રોપરગાઈટ ૫૭ ટકા ઈસી ૨૦ મિ.લિ. પ્રતી ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો તેમજ જરૂર જણાયે ૧૫ દિવસે ફરીથી એક છંટકાવ કરવો.

શેરડીના સાંઠામાંથી રસ ચૂસતી જીવાતોનું નિયંત્રણ:

    ચિકટો (મિલિબગ) અને ભીંગડાવાળી જીવાતના અસરકારક નિયંત્રણ માટે રોપણીના છ માસ બાદ, ચોમાસા પહેલા પાકની નીચેની ચાર થી પાંચ આતરગાંઠોની પતારી કાઢી નાંખવી.

                શેરડીની ભીંગડાવાળી જીવાત પર નભતા પરભક્ષી કિટકો જેવા કે કાયલોકોરસ નીગ્રીટસ, ફેરોસીન્સ હોર્નીથી આ જીવાતનું કુદરતી રીતે જૈવિક નિયંત્રણ થતું જોવા મળે છે. આ જીવાતના ઉપદ્રવ વખતે આવા પરભક્ષી દાળીયા જોવા મળે તો કિટનાશક દવાઓનો છંટકાવ મુલતવી રાખવો. દાણાદાર કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો પરંતુ જો વેધકોના નિયંત્રણ માટે દાણાદાર કીટનાશક દવાઓનો ઉપયોગ કરેલ હોઇ તો આ જીવાતોના નિયંત્રણ માટે અલગથી પગલાં લેવાની જરૂર રહેતી નથી.

ટોચ વેધક, ડૂંખ, સાંઠા/પિરાઇ, આંતરગાંઠ અને મૂળ વેધકોનુ સંકલિત નિયંત્રણઃ

     વેધકોની માદા કૂદી પાનની નીચેની બાજુએ સમૂહમાં ઈંડા મૂકતી હોઇ આ ઇંડાંના સમૂહને હાથથી વીણી લઈને વાંસમાંથી બનાવેલ બુસ્ટરમાં મૂકવા, જેથી ઈંડાંઓના પરજીવીઓનુ સંરક્ષણ કરી શકાશે. આ સિવાય ઈંડાંઓના સમૂહનો નાશ કરવો. વેધકોથી ઉપદ્રવિત પીલાઓનો ઈયળો સહિત કાપી ખોદીને નાશ કરવો.

          રોપણી બાદ ૯૦ દિવસે હલકા પાળીયા અને ૧૪૦ થી ૧૪૫ દિવસે ભારે કદના પાળીયા બનાવવા જેથી ડૂંખવેધક અને મૂળવેધકનો ઉપદ્રવ ઓછો જોવા મળે. ફેરોમેન ટ્રેપ અને પ્રકાશ પિંજર ગોઠવીને જીવાતોની મોજણી કરવી. ડૂંખવેધકના ઉપદ્રવને કાબૂમાં રાખવા સૂકી પાતરીનું ખેતરમાં મલ્ચીંગ કરવું. કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૩૩ કિ.ગ્રા. અથવા ફિપ્રોનિલ ૦.૩૦% જીઆર ૩૦ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪૦% જીઆર ૧૮.૭૫ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ એક મહિને અને પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી. જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, નવસારી ખાતે વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાનો હાલ વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. આ ટ્રાયકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઇંડામાં પોતાનું ઇંડુ મુકી વેધકોના ઇંડાનો નાશ કરે છે. એક ટ્રાયકોકાર્ડના આઠ ભાગ કરી દરેક ભાગને ૧૫-૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાયકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલ કરવા. હેક્ટરા દીઠ ૨ થી ૩ ટ્રાયકોકાર્ડની ભલામણ છે. દર ૧૫ દિવસના સમયગાળે બે ટ્રાયકોકાર્ડ શેરડીના પાકમાં વૈધકોના ઉપદ્રવને ધ્યાનમાં લઈને છ થી સાત વખત ઉપદ્રવિત ખેતરમાં સવાર અથવા સાંજના સમયે શેરડીના ટોચના પાન પર સ્ટેપલરની મદદથી સ્ટેપલ કરવા. ટ્રાયકોગામાં છોડવાના અઠવાડિયા પહેલા અને છોડયાના અઠવાડિયા બાદ ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.

                વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામકનો સંપર્ક કરવો તેમ સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદી જણાવાયું છે.

Related posts

Leave a Comment