જાહેર કાર્યક્રમોમાં જનતા દ્વારા ફરકાવવામાં આવતા ‘રાષ્ટ્રધ્વજ’નું માન-સન્માન જળવાય તે જરૂરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

      ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતીય લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. નાગરિકોને રાષ્ટ્રધ્વજ માટે પ્રેમ, આદર અને સમ્માન વધે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે.

ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવ્યાનુસાર,રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાય તે રીતે એકાંતમાં નાશ કરવો જોઈએ. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો ‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨’ની કેટલીક મુખ્ય વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે જેમાં હાથથી બનાવેલા, હાથથી વણાયેલા કે મશીનથી બનાવેલા અથવા પોલિએસ્ટર/ઊન/સિલ્ક ખાદીના કપડાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. સાર્વજનિક, ખાનગી અને શૈક્ષણિક સંસ્થાના સભ્ય રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માનને અનુરૂપ તમામ દિવસો અને પ્રસંગોએ ઔપચારિક રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે.

વધુમાં ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, ૨૦૦૨માં ૨૦મી જુલાઈ, ૨૦૨૨ના સુધારા મુજબ જે સ્થળે ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય અથવા નાગરિકના ઘરે પ્રદર્શિત થાય, તેને દિવસ અને રાત્રે ફરકાવવી શકાશે. રાષ્ટ્રીય ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈ(પહોળાઈ)નો ગુણોત્તર ૩:૨ હોવો જોઈએ. જ્યારે રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવે છે, ત્યારે સન્માનના સ્થાન પર સ્પષ્ટ રીતે ફરકાવવો જોઈએ. ક્ષતીગ્રસ્ત અથવા વિખરાયેલા ધ્વજને પ્રદર્શિત કરવો નહીં. ધ્વજ એક જ માસ્ટહેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા ધજાઓ સાથે ફરકાવવો નહીં.

ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા રાજ્યના રાજ્યપાલ સિવાય કોઈ પણ વાહન પર ધ્વજ લહેરાવવી શકાશે નહી. અન્ય કોઈ ધ્વજ અથવા ધ્વજનું કાપડ રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચાઈએ અથવા બાજુમાં મુકી શકાશે નહીં. આ અંગે વધુ વિગતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment