પંડિત યશવંતરાય પુરોહિતની પુણ્યસ્મૃતિમાં અનેક આશાસ્પદ કલાકારોને કલાનાં ઓજસ પાથરવાની તક મળશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગરમાં નવીનીકરણ પામેલાં ‘યશવંતરાય નાટ્યગૃહ’નું આજે લોકાર્પણ કર્યુ હતુ. આ નાટ્યગૃહનું નિર્માણ જાણીતા શાસ્ત્રીય ગાયક અને ભાવનગરના વતની પંડિત યશવંતરાય પુરોહિતની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ એરકન્ડિશન ધરાવતા નવનિર્મિત નાટ્યગૃહમાં 752 પ્રેક્ષકોની બેઠકક્ષમતા છે. નાટ્યગૃહનું નવીનીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાતી શાસ્ત્રીય ગાયકોમાં પંડિત યશવંતરાય પુરોહિત જાણીતું નામ છે. તેમનો જન્મ 27 ડિસેમ્બર, 1916નાં રોજ ભાવનગરમાં થયો હતો. સંગીત પ્રત્યેના અનુરાગનાં કારણે તેઓ બનારસમાં પંડિત ઓમકારનાથજી ઠાકુર પાસે ગાયકી શીખ્યા હતા. તેમની પ્રકૃતિમાં રહેલી વિનમ્રતા અને કારુણ્ય તેમને કિરાણા ઘરાનાની ગાયકી તરફ દોરી ગયા હતા.

તેમણે ‘રસરંગ’નાં ઉપનામથી શાસ્ત્રીય સંગીતની સંખ્યાબંધ બંદીશો રચી હતી અને આકાશવાણીનાં તેઓ રાષ્ટ્રીય કક્ષાના કલાકાર હતા. ઉપરાંત ઘણાં ખ્યાતના શિષ્યો અને ગાયકો પણ તેમણે તૈયાર કર્યા હતા. એકપણ શિષ્ય પાસેથી તેમણે દક્ષિણા, ટ્યુશન-ફી, અંગત સેવા-લાભ કે ગુરૂદક્ષિણા નહોતા લીધા.

પંડિતજીનાં જીવનનો મુખ્ય રાગ ‘કારુણ્ય’ હતો. તેમની પસંદગી ધીર-ગંભીર સ્વરો પ્રત્યે જ રહેતી, ચંચળ રાગોને પણ તેઓ શાંત અને સૌમ્ય બનાવી દેતા. વિલંબિત-લય પ્રત્યે તેમને લગાવ હતો. ભજન કે સુગન સંગીત પ્રત્યે તેમને સૂગ નહોતી. ઠુમરી ગાયનમાં પણ તેઓ સુંદર રીતે નઝાકત વ્યકત કરી જાણતા હતા.

મન અને હૃદયને સ્પર્શી જાય તેવી બંદીશોનું સર્જન કરનારા આ કલાકારનું 47 વર્ષની નાની વયે 3-1-1964નાં રોજ મુંબઇ ખાતે નિધન થયું હતું. જન્મસ્થળ ભાવનગરમાં તેમનાં નામે સ્થાપિત કરાયેલો ‘યશવંતરાય નાટ્યગૃહ’ ચિરકાળ સુધી તેમની પ્રતિભાનું સ્મરણ કરાવતો રહેશે. આ નાટ્યગૃહને હવે નવાં પરિધાન મળ્યા હોવાથી અનેક નવોદિત કલાકારોને પણ અહીં પ્રેરણા અને પ્રોત્સાહન મળશે.


અદ્યતન નાટ્યગૃહમાં સમાવિષ્ટ સુવિધાઓ

– મહિલા અને પુરુષ કલાકારોને તૈયાર થવા માટે ગ્રીનરૂમ

– 1 વી.વી.આઇ.પી. ગ્રીનરૂમ

– બહારથી આવતાં કલાકારોના રાત્રિરોકાણ માટે બે રૂમ

– 5050 ચો.મી.નું વિશાળ પાર્કિંગ

– મિની હોલ

– બુકિંગ ઓફિસ

– મેનેજર ચેમ્બર

 

 

 

Related posts

Leave a Comment