રામમંદિર ખાતે શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સજજતા સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    મૂલ્ય શિક્ષણ અને NEP રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી વર્તમાન શિક્ષણનું નવ સંસ્કરણ અંગે ચિંતન અને વ્યાયામ શિક્ષક સજજતા માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા શ્રી રામ મંદિર હોલ ખાતે શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સજજતા સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિ અને સબળ નેતૃત્વ થકી નિર્માણ પામેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્પોર્ટ્સ સાયન્સના ઉપયોગની સાથે અદ્યતન સુવિધાઓથી સજજ છે. ખેલાડીઓને ઉમદા પ્લેટફોર્મ મળે તેવા હેતુસર યોજાતા ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન થાય છે. ભારતનો દરેક સામાન્ય નાગરિક શારીરિક તથા માનસિક તંદુરસ્ત રહે તે માટે વડાપ્રધાન દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. અને સામાન્ય લોકોના સ્વાસ્થ, રમત-ગમત જેવી બાબતોને પાયાથી મજબૂત કરવા નવી શિક્ષણ નીતિમાં ફિટનેસ અને વેલનેસ વિષયનો સમાવેશ કર્યો છે.

જ્યારે અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ કહ્યું હતું કે, જે લોકોને રમતગમતમાં રૂચિ હોય છે. તે લોકોનો સર્વાંગી વિકાસ આ કૌશલ્ય દ્વારા થાય છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ જ શારીરિક શિક્ષણ ગુણવત્તા અને શિક્ષક સજ્જતા છે. જે દર્શાવે છે કે શિક્ષણ સાથે શારીરિક શિક્ષણ પણ ખૂબ જરૂરી છે. વડાપ્રધાન દ્વારા સંકલ્પબદ્ધ વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર કરવા માટે માનસિક શિક્ષણ સાથે શારીરિક શિક્ષણ પણ એક મહત્વનો ભાગ બન્યો છે.

જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ રાજવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, હવે એવો જમાનો આવ્યો છે કે જે શારીરિક અને માનસિક દ્રષ્ટિએ મજબૂત હશે તે જ વધુ સારૂ કાર્ય કરી સફળતાના શીખરો સર કરી શકશે. હવે રમતગમતમાં અનેક સુધારાઓ આવ્યાં છે. જેના કારણે ગ્રામ્યસ્તરના ખેલાડીઓ પણ વધુ સારી રીતે પ્રદર્શન કરી અને અવ્વલ આવતાં થયાં છે. જે અત્યંત ગર્વની વાત કહેવાય. આ ખેલાડીઓના સફળ પ્રદર્શન પાછળ વ્યાયામ શિક્ષકોનો સવિશેષ ફાળો રહ્યો છે.

આ કાર્યક્રમમાં વ્યક્તિ વિશેષનું સન્માન તેમજ નિવૃત શિક્ષકોનું શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વ્યાયામ શિક્ષક મહામંડળના પ્રમુખ રણજિતસિંહ વાઘેલા, મહામંત્રી આર.કે.ચૌધરી, ગીર સોમનાથ વ્યાયામ શિક્ષક મંડળના પ્રમુખ અર્જુન પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, અગ્રણી દિલીપભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment