ગીર સોમનાથ જિલ્લા મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઇને રોલ ઓબ્ઝર્વરનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર રસોમનાથ

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ આજથી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે ગીર સોમનાથ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર ની અધ્યક્ષત્તામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ગીર સોમનાથ જિલ્લા રોલ ઓબ્ઝર્વર આર.જી.ગોહિલની અધ્યક્ષસ્થાને આજે પ્રાંત ઓફિસ વેરાવળ ખાતે અધિકારી ઓ અને માન્યતા પ્રાપ્ત થયેલા રાષ્ટ્રીય પાર્ટીઓના અરજદારો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોલ ઓબ્ઝર્વર એ જણાવ્યું હતું કે, જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોગ્ય કામગીરી થાય તે જરૂરી છે. નવા યુવા મતદારો કે જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેમને આવરી લેવા અને ફોર્મ નં.૬, ૭, ૮ સહિતની કામગીરી યોગ્ય કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમને સાર્થક કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ જિલ્લામાં યોગ્ય કામગીરી થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ૩ રવિવાર અને ૧ શનિવારના દિવસોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫/૧૧/૨૦૨૩ને રવિવાર, ૨૬/૧૧/૨૦૨૩ને રવિવાર, ૩/૧૨/૨૦૨૩ને રવિવાર અને ૯/૧૨/૨૦૨૩ને શનિવારના દિવસોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમો ચાલનાર છે. ત્યારે મતદાર યાદી સુધારણાના દિવસે દરેક બીએલઓ હાજર રહી મતદાર યાદી સુધારણાની યોગ્ય કામગીરી કરીને વધુને વધુ મતદારને આવરી લેવા જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠક દરમિયાન વયોવૃદ્વ કે જેમણે દરેક ચૂંટણીમાં મતદાન કરીને પોતાની ફરજ બજાવી છે તેવા વયોવૃદ્વ મતદારોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર બી.વી.લિંબાસિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.એસ.બારૈયા, વેરાવળ પ્રાંત અધિકારી કે.વી.બાટી, ઊના પ્રાંત અધિકારી સી.પી.હિરવાણિયા, નાયબ કલેક્ટર ભૂમિકા વાટલિયા, મામલતદારઓ, અધિકારીઓ અને માન્યતા પ્રાપ્ત થયેલ વિવિધ રાષ્ટ્રીય પાર્ટીઓના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment