હિન્દ ન્યુઝ, ભુજ
કચ્છ જિલ્લામાં નર્મદા યોજનાની (કચ્છ શાખા) નહેર રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદરા અને માંડવી તાલુકાઓમાંથી પસાર થાય છે. આ નહેરમાં સિંચાઇ કરવા અને ટપ્પર ડેમ ભરવા માટે કચ્છ શાખા નહેરમાં પાણીનું વહન થતું હોય છે, જે દરમ્યાન નહેરમાં પાણીની સરેરાશ ઉંડાઇ ૩ થી ૪.૫ મીટર સુધી હોય છે. આ નહેરના પાણીમાં ન્હાવા, કપડા ધોવા, પગ પલાળવા, માછીમારી કરવા કે અન્ય કોઇ પણ હેતુસરથી જે ઇસમો જાય છે તેઓના નહેરના પાણીમાં પડવાથી અકસ્માત થતાં દુઃખદ અવસાન થવાના ઘણા બનાવો બને છે. જે બનાવો અટકાવવા અને આવા બનાવો ન બને તે માટે તકેદારીના પગલાં લેવા જરૂરી હોઇ અધિક્ષક ઇજનેર કચ્છ શાખા નહેર વર્તુળ -૧ ગાંધીધામ ઘ્વારા જરૂરી જાહેરનામા પ્રસિધ્ધ કરવા તા.૨૭/૧૧/૨૦૨૨ના દરખાસ્ત કરેલ છે.
જેથી દિલીપ રાણા, જિલ્લા મેજીસ્ટ્રેટ,કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ- (સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ-૧૪૪ અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુંદરા અને માંડવી તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા યોજનાની કચ્છ શાખા નહેરના પાણીમાં ન્હાવા, કપડા ધોવા, પગ પલાળવા, માછીમારી કરવા કે અન્ય કોઇપણ હેતુસર જવા બાબતે મનાઇ ફરમાવેલ છે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિતને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં તા.૨૭/૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.
