હિન્દ ન્યુઝ, રાધનપુર
પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના ચારણકા ગામની નજીક સોલાર પાર્કના પાછળના વિસ્તારમાં કચ્છના મોટા રણમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રાઇવેટ કંપનીઓ દ્વારા હેવી મશીનરી ગોઠવી ખોદકામની કામગીરી શરૂ કરાઈ છે. જોકે આ કામગીરી બાબતે સ્થાનિક સરકારી વિભાગ જોડે કોઈ જ પ્રકારની મંજૂરી જ લેવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે આ બાબતે ઘુડખર અભ્યારણ નજીક હોવા છતાં ઘુડખર વિભાગ પણ આ બાબતે અજાણ હોવાનો રાગ આલાપ્યો હતો. બીજી તરફ પ્રાઇવેટ કંપની દ્વારા રણમાં જ તંબુ તાણીને રહેણાંક કરીને સોઇલ ટેસ્ટિંગ ની કામગીરી શરૂ કરી છે. ત્યારે પ્રાઇવેટ કંપની દ્વારા સરકારી જમીન પર કામગીરી કરતા સ્થાનિક ઘુડખર વિભાગ વન વિભાગ અને રેવન્યુ વિભાગ એ દોષનો ટોપલો એકબીજા પર ઢોળ્યો હતો.
કલેકટર ની મંજુરી લીધી છે : કર્મચારી
કચ્છ નાં મોટા રણમાં કામગીરી કરી રહેલ પ્રાઇવેટ કંપની કર્મચારી અમિત પટેલ એ જણાવ્યુ હતું કે, અમે જે સોઈલ ટેસ્ટિંગ કામગિરી કરી રહ્યાં છીએ તેમાં કલેકટર ની મંજુરી લીધી છે, જોકે પરમિશન લેટર કે કોઈ ડોક્યુમેન્ટ મળ્યાં ન હતાં.
જમીન વન વિભાગ ની હોઈ વન વિભાગ ને જાણ કરી છે
સાંતલપુર મામતદાર મહેન્દ્ર પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જમીન અમારા રેવન્યુ સર્વે નંબર માં આવતી નથી. અમે તલાટી જોડે અમે તપાસ કરાવી હતી. આ જમીન વન વિભાગ માં આવે છે. અમે વન વિભાગ ને આ કામગિરી બાબતે જાણ કરી છે. અને રણ વિસ્તાર માં અમારી જોડે કોઈ પરમિશન લેવાઈ નથી.
રણમાં વન વિભાગ હસ્તક જમીન છે જ નહી
સાંતલપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર દિપક બાંભણિયા એ જણાવ્યું હતું કે. કચ્છના મોટા રણમાં વન વિભાગ હસ્તક જમીન છે જ નહીં આ કામગીરી બાબતે અમારી પાસે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. આ જમીન રેવન્યુ વિભાગ કે ઘૂડખર વિભાગ હસ્તક હોઈ શકે છે આ કામગીરી બાબતે મને કોઈ માહિતી નથી.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
