મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે વેલસ્પનના સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ

માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજરોજ તારીખ ૧લી ઓકટોબરના રોજ કચ્છની મુલાકાતે છે. ત્યારે મુખ્યમંત્રીના વરદ હસ્તે તથા કેન્દ્રિય જલ શક્તિ મત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રેરક ઉપસ્થિતમાં અંજાર સ્થિત વેલ્સપન કંપનીના ૨૯૦ કરોડના ખર્ચે નિર્મિત સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ ડિજીટલ યુગમાં ભારતનું યોગદાન મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકાસના માર્ગે ગ્રોથ એન્જિન બન્યું છે. કચ્છના વિકાસમાં સહભાગી બનેલું વેલસ્પન ગૃપ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ કચ્છમાં થયેલ ઓદ્યોગિકરણ થકી સામાન્ય માણસ મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. જેમાં વેલસ્પન ગૃપે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પ્રસંગે કેન્દ્રિય જલ શક્તિ મંત્રી  ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે, હું કચ્છની ઐતિહાસિક ધરતી પર ઔદ્યોગિક ક્રાંતિના દર્શન કરવા આવ્યો છું. પ્રકૃતિની માર પછી કચ્છની કાયાપલટ કરવાનું જે સ્વપ્ન હતું તે ખરેખર સાર્થક બન્યું છે. કચ્છ આજે ઊર્જાના નિર્માણ માટે સમગ્ર વિશ્વ માટે એ.પી.સેન્ટર બની રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે આવનારી સદી હવે ભારતની હશે. વિશ્વના અન્ય દેશ હવે ભારતમાંથી પ્રેરણા લઈ રહ્યા છે. ઉપરાંત તેમને જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે છેવાડાના વિસ્તારોને યાતના માંથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છોડાવ્યા છે. આ તકે મુખ્યમંત્રીએ વેલસ્પન ટેકસ્ટાઈલ પ્લાન્ટ સહિત વિવિધ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ તકે, વેલસ્પન ગૃપના ચેરમને બાલકિશન ગોયંકા, મેનેજિંગ ડિરેકટર રાજેશ મંડાલેવાલા તથા રાહુલ યેનુનકર સહિતનાઓએ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ મંત્રી તથા અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ વગેરે જોડાયા હતા.

Related posts

Leave a Comment