ભાવનગર જિલ્લામાં નિર્માણ પામનાર અમૃત સરોવર અંગેની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આઝાદીના ૭૫ મા વર્ષના ઉપલક્ષ્યમાં ભારતના વડાપ્રધાનએ દરેક જિલ્લામાં ૭૫ સરોવર નિર્માણ માટે કરેલાં આહ્વાનને પગલે ભાવનગર જિલ્લામાં૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ તેમાં વધારો થવાની શક્યતા છે.

આ સરોવરોનું નિર્માણ લોકભાગીદારીથી એટલે કે, સેવાભાવી સંસ્થાઓ તથા ગામલોકોની આર્થિક સાથે શ્રમદાનના યોગદાનથી થવાનું છે. ભાવનગરની જાણીતી કંપનીઓ પણ તેઓના સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જોડાવાની છે. ત્યારે આ બધા સહયોગીઓ વચ્ચે સંકલન માટે એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

કલેક્ટરએ આ બેઠકને સંબોધતાં જણાવ્યું કે, જલ સંચય એ કુદરતના સંરક્ષણનું કાર્ય છે. ભાવી પેઢી જળની અછત ન ભોગવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જળ અભિયાન પણ ચલાવે છે. ત્યારે આપણે સૌની જવાબદારી છે કે, આપણાં પર કુદરતનું તથા સમાજનું જે ઋણ છે તેને આ સરોવરના નિર્માણથી અદા કરીએ.

આ સરોવરોના નિર્માણથી પાણીનું સ્તર ઉંચું આવશે તેમ જણાવી તેમણે આ સરોવરની આસપાસ પ્રકૃતિના જતન માટે ભારતીય મૂળ અને કૂળના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. જેથી આ ધરાંને ફરીથી નવપલ્લવિત કરી શકાશે.

તેમણે કહ્યું કે, આજે ઘણી બધી કંપનીના પ્રતિનિધિઓ હાજર છે ત્યારે તેઓ પણ આ સરોવરના નિર્માણની વૈયક્તિક તથા સામૂહિક જવાબદારી નિભાવવા માટે પોતાનું યોગદાન આપે.

કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, નવા તૈયાર થનાર સરોવર ઓછામાં ઓછા એક એકરના બનશે તેમ જણાવી જો ગામ લોકો આર્થિક સહકાર સાથે પોતાનું શ્રમદાન આપે કે પોતાની પાસેના સાધનોનો સહયોગ આપે તે આવકાર્ય છે. 

આ માટે ૧૫ માં નાણાં પંચ તથા મનરેગા સહિતના ગ્રામ વિકાસના નાણાનો ઉપયોગ કરવામાં આવશે. દાતા દ્વારા આપવામાં આવનાર નાનામાં નાના દાનની પણ તકતી લગાવવામાં આવશે. આ નવી તૈયાર થનાર સાઇટ ખાતે ૧૫ મી ઓગષ્ટની ઉજવણી પણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ અંગેના વિગતવાર પ્રેઝન્ટેશનની રજૂઆત પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી. આર. પટેલે કરી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહેલ, પંચાયતની વિવિધ કમીટીઓના ચેરમેનઓ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, નાયબ વન સંરક્ષક સાદિક મુજાવર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જોષી સાહેબ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ તથા મામલતદારો, જિલ્લાના અધિકારીઓ, કંપની અને સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment