હિન્દ ન્યુઝ, રાજપીપલા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીમેશનના પ્રોજેક્ટ થકી લુપ્ત થતી વનસ્પતિ ઉપરાંત વિવિધ જૈવિક વનસ્પતિઓના પ્લાન્ટ ધ્વારા લોકોને રોજગારી મળવાની સાથે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળી રહેશે : પોચાભાઇ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંતભાઇ ચૌહાણ
GACL એજ્યુકેશન સોસાયટી વડોદરા, પોચાભાઈ ફાઉન્ડેશન અને જિલ્લા વહિવટતંત્રના સંયુક્ત ઉપક્રમે CSR એક્ટીવીટી અંતર્ગત નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના પ્રોજેક્ટના અનાવરણમાં જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે, જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જે.ભટ્ટ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી વર્ષાબેન વસાવા, GACL એજ્યુકેશન સોસાયટીના કોઓર્ડિનેટર દિનેશભાઇ મકવાણા, ગુજરાત બાયોડાયવર્સિટીના બોર્ડનીસ્ટ વિવેકભાઇ વેગડા સહિત મેડીસીનલ પ્લાન્ટ અને નોંધારાનો આધાર પ્રોજેક્ટના લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોચાભાઇ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંતભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભો છેક અંતરિયાળ અને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડીને ખેડૂતોનો વિકાસ સાધ્યો છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે ચીલાચાલું ખેતી કરવાને બદલે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી અનેકગણો નફો થતો હોવાનું જણાવ્યું હતું. ચૌહાણે વધુમાં ઉમેર્યું હતું કે, GACL એજ્યુકેશન અને પોચાભાઇ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે CSR એક્ટીવીટીના ભાગરૂપે સાગબારાના ગામોમાં મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીમેશનના પ્રોજેક્ટ થકી લુપ્ત થતી વનસ્પતિ ઉપરાંત વિવિધ જૈવિક વનસ્પતિઓના પ્લાન્ટ હાથ ધરીને એક અનોખી પહેલ કરવાની સાથે લોકોને રોજગારી મળવાની સાથે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મળે તે માટે તુલસી, ગળો, એલોવીરા જેવી વિવિધ વનસ્પતિઓના પ્લાન્ટ ધ્વારા આર્યુવેદિક ઔષધિય વનસ્પતિઓનું ઉત્પાદન પણ વધશે. આના થકી નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ પણ ઉપલબ્ધ થવાની સાથે તેમની આર્થિક સ્થિતિ અને જીવન વધુ બહેતર બનશે તેમ ચૌહાણે જણાવ્યું હતું.
જિલ્લા ખેતીવાડી અધિકારી એન.જે.ભટ્ટે કહ્યું હતું કે, એલોપેથીક દવા વાપરવાને બદલે આર્યુવેદિક દવાઓનો મહત્તમ ઉપયોગ લોકોએ કરવો જોઇએ. મેડીશીનલ પ્લાન્ટ થકી વનસ્પતિઓનું પધ્ધતિસરનું આયોજન હાથ ધરવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોની આવક વધશે તેની સાથોસાથ આવનારી પેઢીઓ પણ વનસ્પતિ વિશે જાણશે અને તેનો વધુ ઉપયોગ કરશે. લોકોની આસપાસ અનેક એવી વનસ્પતિઓ હશે જેનો ઉપયોગ કોઇને કોઇ રીતે આર્યુવેદિક દવાઓ તરીકે થતો હશે પરંતુ આપણી પાસે તેની સાચી સમજ ન હોવાને કારણે ઘણી વનસ્પતિઓ ધીમે ધીમે લુપ્ત થતી હોવાની સાથે રસાયણોના ઉપયોગથી પર્યાવરણ દૂષિત થયું છે. જમીનની ફળદ્રુપતા ઘટતી ગઇ અને ખેત પેદાશોમાં જંતુનાશક દવાઓના અવશેષો આવવાને કારણે માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી હોવાનું ભટ્ટે ઉમેર્યું હતું. આ પ્રસંગે GACL એજ્યુકેશન સોસાયટીના કોઓર્ડિનેટર દિનેશભાઇ મકવાણા અને ગુજરાત બાયોડાયવર્સિટીના બોર્ડનીસ્ટ વિવેકભાઇ વેગડાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં CSR હેઠળ થતી પ્રવૃત્તિઓનો વ્યાપ સતત વધી રહેલ છે. જેના કારણે એસ્પિરેશનલ જિલ્લાના શિક્ષણ, પોષણ, આરોગ્ય અને ખેતીવાડી તથા પશુપાલન સહિતના ઇન્ડિકેટર્સમાં ઝડપથી સુધારો નોંધાયેલ છે.
આ પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે, પોચાભાઈ ફાઉન્ડેશનના પ્રમુખ દિનેશભાઈ મકવાણા સહિત અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના બે લાભાર્થીઓને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કિટ્સનુ વિતરણ અને મેડીસીનલ પ્લાન્ટ કલ્ટીવેશનના ૧૦૦ જેટલા લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં. પોચાભાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ફ્રાન્સીશભાઇ મેકવાન તરફથી પોચાભાઈ ફાઉન્ડેશન ધ્વારા દેડીયાપાડા સહિત વિવિધ જગ્યાઓએ હાથ ધરાયેલી કામગીરીની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી પુરી પડાઇ હતી તેની સાથોસાથ જિલ્લામાં અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટની શોર્ટફીલ્મ પણ રજૂ કરાઇ હતી. પ્રારંભમાં હેમંતભાઇ ચૌહાણે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં રીચર્સ ઓફિસર એ.આર.શેખે આભારદર્શન કર્યું હતું.