રાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયત ૧૫ જેટલા કેન્દ્રો ખાતે કોરોના RTPCR ટેસ્ટની કામગીરી હાથ ધરી તેને વધુ સઘન બનાવાશે

હિન્દ ન્યૂઝ, રાજપીપલા 

     જિલ્લા પ્રભારી સચિવ હૈદરે યોજેલી બેઠકમાં કોવિડ-૧૯ સંદર્ભના પાસાંઓ વિષેના તમામ મુદ્દાઓ અંગે કરાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા, પરિણામલક્ષી કામગીરી માટે અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર તેમજ કોવિડ-૧૯ સંદર્ભે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલ એસ.જે. હૈદરે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોર સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં રાજપીપલા ખાતે આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતા બમણી કરીને ૨૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે, જેનો ગણત્રીના દિવસોમાં ખૂબજ ટૂંક સમયમાં અમલ કરાશે.

નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોરોનાના RTPCR ટેસ્ટ લેવાયા બાદ તેના પરિક્ષણ માટે વડોદરા કે સુરતમાં ટેસ્ટના નમૂના મોકલવાને બદલે રાજપીપલા ખાતેજ આવા નમૂનાના પરિક્ષણ માટે નવી લેબોરેટરી ઉભી કરી તેના રિપોર્ટ ઝડપથી મળી રહે અને તે દ્વારા વડોદરા કે સુરતની સરકારી હોસ્પિટલની લેબનું ભારણ ઘટાડવા માટે પણ ગંભીરતા પૂર્વક ચર્ચા-વિચારણા કરાઇ હતી અને રાજપીપલા ખાતે RTPCR ટેસ્ટ માટે નવી લેબોરેટરી ઉભી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જે અન્વયે પ્રભારી સચિવ હૈદરે જરૂરી ટેકનીકલ અને વહિવટી માર્ગદર્શન પુરૂં પાડી આ અંગેની માર્ગદર્શિકા મુજબ સત્વરે સક્ષમકક્ષાએ જરૂરી દરખાસ્ત મોકલવાની કાર્યવાહી હાથ ધરવા અપાયેલી સૂચના મુજબ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આ અંગેની પ્રાથમિક કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.આ લેબની મંજૂરી પ્રક્રીયાના ફોલોઅપ માટે પૂરતા સહયોગની પણ આ બેઠકમાં ખાતરી ઉચ્ચારી હતી.
જિલ્લા પ્રભારી સચિવ હૈદરના અધ્યક્ષપદે રાજપીપલા ખાતે યોજાયેલી ઉક્ત બેઠકમાં કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા અને કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કોરોના ટેસ્ટીંગ અને રસીકરણની કામગીરી વધુ સઘન બનાવવા, કોરોના ટેસ્ટીંગ માટેના કેન્દ્રોની સંખ્યા વધારવા, રોજબરોજની મોનીટરીંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવા, કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના વપરાશનો એક મહિનાનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા, કોરોના ટેસ્ટીંગ અને રસીકરણની રોજબરોજની નિર્ધારિત કામગીરી પૂર્ણ થાય તે રીતની કાર્ય વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતો અંગે પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. 

રિપોર્ટર : અંકુર ઋષિ  રાજપીપલા

Related posts

Leave a Comment