હિન્દ ન્યુઝ, રાજપીપલા
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મળી આવેલ “૪-ડી” જન્મજાત ખોડ, ઉણપ, રોગ અને વિકાસલક્ષી વિલંબ તથા વિકલાંગતા ધરાવતા બાળકોની સંદર્ભ સેવાના ભાગ રૂપે નર્મદા જિલ્લામાં તા.૩૦/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર રાજપીપલા ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત “૪-ડી” આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક બાળ આરોગ્ય સંભાળ અંતર્ગત જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને અમુક ચોક્કસ આરોગ્ય અવસ્થાના માટે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ મળવી જરૂરી છે. આ અવસ્થાઓમાં રોગો (Diseases), ઉણપો (Deficiencies), વિકલાંગતા (Disability) અને વિકાસમાં વિલંબ (Developmental delay) “૪-ડી” નો સમાવેશ થાય છે. સાર્વત્રિક આરોગ્યને તપાસને કારણે બાળકોની તબીબી અવસ્થાઓનું ઝડપી નિદાન અને સમયસર હસ્તકક્ષેપ થઈ શકે છે. જેને કારણે બાળ મરણ, રોગિષ્ઠ મનોદશા અને આજીવન અપંગતા જેવી અવસ્થાઓમાં ઘટાડો થાય છે.
રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન હેઠળ, છેલ્લા ૭ વર્ષોમાં (૨૦૦૫-૧૨), બાળ મરણનો કિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેના કારણે બાળમરણના કિસ્સાઓ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. નર્મદા જિલ્લા ખાતે શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો તેમજ ધો. ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો, આશ્રમશાળા, મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને ભારત સરકારની ગાઇડલાઇન “૪-ડી” પ્રમાણે આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તેમજ શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નિ:શુલ્ક નિદાન સારવાર અને સર્જરી કરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, રાજપીપલા તરફથી મળેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે.