રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના ગ્રંથાલય દ્વારા પુસ્તક પ્રદર્શનનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ 

    ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના કોલેજ ગ્રંથાલય દ્વારા એક વિશેષ પુસ્તક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને વાંચન સંસ્કૃતિનું સિંચન કરવાના ઉદ્દેશથી આ પ્રદર્શન યોજાયું હતું.

આ પુસ્તક પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર, રાષ્ટ્રનિર્માણમાં તેમના મહામૂલા પ્રદાન, દેશી રજવાડાંઓના ઐતિહાસિક એકીકરણ તેમજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, બંધારણ, ભારતનો ઇતિહાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રાષ્ટ્રપ્રેમ પ્રેરિત સાહિત્યના વિવિધ પુસ્તકો વિશાળ સંખ્યામાં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.

કાર્યક્રમમાં અધ્યક્ષીય પ્રવચન આપતાં આચાર્ય ડૉ. યુ.કે. ગાંગુર્ડેએ સરદાર પટેલના અપ્રતિમ યોગદાનને યાદ કરી રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સમરસતા જાળવવામાં પ્રત્યેક નાગરિકની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને મહાન વિભૂતિઓના જીવનચરિત્રોમાંથી પ્રેરણા મેળવી ઉત્તમ વાંચન કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા. 

આ પ્રસંગે સરકારી વિજ્ઞાન કોલેજ, આહવાના આચાર્ય ડૉ. એ. જી. ધારિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ અંતર્ગત એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઉમેશ હડસે ઉપસ્થિત સૌ અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને દેશની એકતા અને અખંડિતતા જાળવવાના સામૂહિક શપથ લેવડાવ્યા હતા.

સમગ્ર આયોજન આચાર્ય ડૉ. યુ.કે. ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ તેમજ IQAC કો-ઓર્ડિનેટરના સંકલનમાં રહીને કોલેજના ગ્રંથપાલ વિજય જી. ભંડારી તથા ગ્રંથાલય સમિતિ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે આ પ્રદર્શનની મુલાકાત લઈ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.

Related posts

Leave a Comment