હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાએ કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસલ કરતાં રાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ‘Improving Irrigation Infrastructure’ (સિંચાઈ માળખાકીય સુવિધાઓમાં સુધારો) કમ્પોનન્ટમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ છોટાઉદેપુર જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટ ગાર્ગી જૈનને આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જેવા પહાડી અને આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ખેતીના ટકાઉ વિકાસ માટે સિંચાઈ સુવિધાઓનું વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિંચાઈ ક્ષમતામાં વધારો કરવા, માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા તથા ખેડૂતો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીના પરિણામે ખેતી માટે જરૂરી પાણીની ઉપલબ્ધતા વધતાં કૃષિ ઉત્પાદકતા અને ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો, જેની હવે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ હતી.
પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાને પ્રાપ્ત થયેલી આ રાષ્ટ્રીય સિદ્ધિથી સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ખેડૂતોમાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી હતી.
