હિન્દ ન્યુઝ, ડાંગ
સાચો વૈભવ અને શુદ્ધ જીવન ત્યાં જ શક્ય છે, જ્યાં કુદરતની હરિયાળી સોળે કળાએ ખીલેલી હોય. ગુજરાતનો એક એવો જ અણમોલ પ્રદેશ એટલે ડાંગ!
શુદ્ધ હવા અને અખૂટ વનરાજીથી સમૃદ્ધ આ જિલ્લો આજે માત્ર તેના નૈસર્ગિક સૌંદર્ય માટે જ નહીં, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના સઘન પ્રયાસો થકી સર્વાંગી વિકાસના એક ઉત્તમ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયો છે.
આધુનિકતા અને પ્રાચીન આદિવાસી સંસ્કૃતિનો અદભુત સમન્વય સાધીને ડાંગ આજે નવી ક્ષિતિજો આંબી રહ્યું છે.
દેશના પ્રથમ ‘સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લા’ તરીકે ગૌરવ મેળવનાર ડાંગે કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી છે. અહીંના ૧૯,૩૮૯ ખેડૂતો દ્વારા ૧૯,૮૮૧ હેક્ટર વિસ્તારમાં રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડાંગને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર સિલ્વર સ્કોચ એવોર્ડ-૨૦૨૩’ પણ એનાયત થઈ ચૂક્યો છે. ખેડૂતોની સાથે અહીંના પશુપાલકો પણ આર્થિક રીતે સદ્ધર બન્યા છે. વસુધારા ડેરીના સહયોગથી કાર્યરત ૧૯૦ દૂધ મંડળીઓ થકી વર્ષ ૨૦૨૫-૨૬માં પશુપાલકોને રૂ. ૧૧૦ કરોડ જેટલી માતબર આવક થઈ છે. તદુપરાંત, ‘લખપતી દીદી’ અને ‘વનધન’ યોજના અંતર્ગત હજારો આદિવાસી મહિલાઓ અને પરિવારો આર્થિક રીતે પગભર બન્યા છે.
છેવાડાના ગામડાંઓ સુધી પહોંચેલા પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને આરોગ્યની આધુનિક સુવિધાઓએ અહીંના જન જીવનનો નકશો બદલી નાખ્યો છે. સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે ડાંગના તમામે તમામ ૫૨,૦૮૫ ઘરોને ‘નળ સે જળ’ યોજનાથી આવરી લેવાયા છે. કાકરાપાર વિયર આધારિત રૂ. ૮૬૬.૩૫ કરોડની બલ્ક પાઈપ લાઈન યોજનાથી ૨૭૬ ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવુ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય સુખાકારીની વાત કરીએ તો, જિલ્લામાં ૧.૫૬ લાખથી વધુ નાગરિકોને આયુષ્માન (PMJAY) કાર્ડ ઇશ્યૂ કરાયા છે, જેનાથી છેવાડાના માનવીને ગંભીર રોગોની મફત સારવાર ઉપલબ્ધ બની છે. એટલું જ નહીં, સમગ્ર ડાંગને ‘ODF મોડેલ’ (ખુલ્લામાં શૌચ મુક્ત) બનાવી અહીં ૪૬,૩૧૧ શૌચાલયોનું નિર્માણ કરાયું છે.
શિક્ષણ ક્ષેત્રે પણ ડાંગે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. માર્ચ-૨૦૨૬ની બોર્ડ પરીક્ષાઓમાં ડાંગ જિલ્લાએ અદભુત દેખાવ કરતા HSC સામાન્ય પ્રવાહમાં ૯૭.૨૧% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ડંકો વગાડ્યો છે.
ડાંગનું નૈસર્ગિક સૌંદર્ય આજે ‘ઇકો-ટુરિઝમ’નું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ગિરિમથક સાપુતારા, ગિરા અને ગીરમાળ ધોધ, બોટનીકલ ગાર્ડન, મહાલ, કિલાદ અને દેવીનામાળ ઇકો કેમ્પ સાઇડ તથા ડોન હિલ સ્ટેશન જેવા મનોહર સ્થળોએ દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અહીં પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટુંક સમયમાં સાપુતારા ખાતે ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’ કાર્યરત કરવામાં આવનાર છે.
આમ, ડાંગ જિલ્લામાં પ્રકૃતિનું સંરક્ષણ અને જનકલ્યાણનો આ સમન્વય ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરી રહ્યો છે.
