સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી : કર્મચારીઓએ આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને પાઠવી શુભેચ્છાઓ

હિન્દ ન્યુઝ, સુરત

    સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની અનોખી ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ છેલ્લા કેટલાક વર્ષોની પરંપરા મુજબ આદિવાસી તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને તેમના પરિવારજનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો હતો. 

આદિવાસી તબીબો- નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ દ્વારા પરંપરાગત આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને આગામી ૧૫મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન)ના સંદર્ભમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ ના જયઘોષ તેમજ આદિવાસી સંસ્કૃતિના ગૌરવસમા “જય જોહાર”ના નારાઓથી સિવિલ હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું હતું.

તબીબી અધિક્ષક ડૉ. પારૂલબેન વડગામાએ ઉપસ્થિત તમામ આદિવાસી તબીબો, અને સ્ટાફગણને આદિવાસી દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને માન આપતા સૌને ખેસ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમણે આદિવાસી વિસ્તારોનો સર્વાંગી વિકાસ થાય અને આ સમાજના લોકો શિક્ષણ, આરોગ્ય અને અન્ય ક્ષેત્રોમાં વધુ પ્રગતિ કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

ડૉ. પારૂલ વડગામા અને તબીબી તેમજ નર્સિંગ સ્ટાફ સહિત આદિવાસી કર્મચારી ભાઈ-બહેનોએ પરસ્પર શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું. આ પ્રસંગે TNAI- ટ્રેઈન્ડ નર્સિંગ એસો. ઓફ ઇન્ડિયાના સેક્રેટરી ઈકબાલ કડીવાલા, લોકલ એસો.ના પ્રમુખ અશ્વિન પંડ્યા, નિલેશ લાઠીયા અને સંજય પરમાર સહિતના અગ્રણીઓ, સિવિલ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment