વિશ્વ આદિવાસી દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન

હિન્દ ન્યુઝ, નવસારી

    વિશ્વ આદિવાસી દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એકસાથે બે સફળ અંગદાન થયા છે. ગુજરાતમાં આ પ્રથમ એવી ઐતિહાસિક ઘટના બની છે કે જ્યાં એકસાથે બે અલગ-અલગ ઓપરેશન થિયેટરમાં બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે અને અંગોને એકસાથે જ પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે. બંને અંગદાતા નવસારી જિલ્લામાં વસતા હતા, જેમાં એક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા, જ્યારે અન્ય એક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સ્થાનિક હળપતિ સમાજના યુવાન હતા. જેમના અંગદાનથી કુલ ૬ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ૯૭મું અને ૯૮મું સફળ અંગદાન થયું છે. પ્રથમ અંગદાતા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સિસોદ્રા સ્થિત ગોરત ફળિયાના વતની અને ૫૦ વર્ષીય ખેડૂત સ્વ. કાળુભાઈ ચીમનભાઈ હળપતિ છે. તા. ૦૭/૦૮/૨૦૨૬ના રોજ સવારે ઇકો ગાડીમાં પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે ગાડીનો અકસ્માત થવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર અર્થે અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ અને ત્યારબાદ ૧૦૮ દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ ગંભીર હાલત હોવાથી તા. ૦૭/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૩૯ વાગ્યે સુરત સિવિલ હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. તબીબોના અથાગ પ્રયાસો છતાં તા. ૦૮/૦૮/૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૦ વાગ્યે તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના પત્ની પાલીબેન અને પાંચ દીકરીઓના પરિવારની સંમતિથી તેમના લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું, આ અંગોને IKDRC હોસ્પિટલ-અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. પત્ની અને પાંચ દીકરીઓનો પરિવાર ધરાવતા કાળુભાઈના આ કઠિન સમયે લીધેલા નિર્ણયથી ચાર વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

આ જ શૃંખલામાં બીજા અંગદાતા તરીકે મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના રતનપુર બગઈ ખુર્દના વતની અને ચીખલીમાં માળીનું કામ કરતા ૨૩ વર્ષીય અપરણિત યુવાન સ્વ. રિંકુ કમલાશંકર ભારતીય છે. તા. ૦૫/૦૮/૨૦૨૬ના રોજ સાંજે ૯:૩૦ વાગ્યે ચીખલી આલીપુર માર્કેટ પાસે અકસ્માત નડતા તેમને ચિખલી સરકારી હોસ્પિટલ અને નવસારી નિરાલી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ તા. ૦૭/૦૮/૨૦૨૬ના રોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યે સુરત સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં આઈ.સી.યુ.માં સારવાર દરમિયાન તા. ૦૮/૦૮/૨૦૨૬ના રોજ રાત્રે ૦૯:૧૫ વાગ્યે તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. માતા ચંપાદેવી, પિતા કમલાશંકર, એક ભાઈ અને બે બહેનનો પરિવાર છે. તેમની એક કિડની કિરણ હોસ્પિટલ- સુરત તથા લીવર અને બીજી કિડની IKDRC હોસ્પિટલ-અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા.

બંનેને આર.એમ.ઓ. ડો. કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો. હરેશ પારેખ અને ન્યુરોસર્જન ડો. કેયુર પ્રજાપતિ દ્વારા બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. ત્યારબાદ ડો.નિલેશ કાછડીયા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઈકબાલ કડીવાલા, મેડિકલ ઓફિસર ડો.બારીરા, ડો.દિવ્યા, ડો.સંસ્કૃતિ, ડો.રાધિકા તેમજ કાઉન્સેલર નિર્મલા કાથુડ અને અન્ય કાઉન્સેલોરોએ બંનેના પરિવારજનોને તેમના અંગદાનનું મહત્વ સમજાવતાં સૌએ ભારે મને સહમતિ આપી હતી, જેના પરિણામે કુલ ૬ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન સાંપડ્યું છે.

બ્રેઈનડેડ બંને અંગદાતાઓને અંતિમ વિદાય આપતી વખતે સિવિલ હોસ્પિટલ પરિસરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં તબીબી અધિક્ષક ડો. પારૂલ વડગામા, ડો. નિલેશ કાછડીયા, ઈકબાલ કડીવાલા, સિક્યુરિટી સ્ટાફ, ઓપરેશન થિયેટર સ્ટાફ અને અંગદાતા પરિવારજનોએ સલામી સાથે અશ્રુભીની અંતિમ વિદાય આપી હતી.

અંગદાન મહાદાન અભિયાનને જેમણે પ્રેરક જનજાગૃત્તિ અભિયાન બનાવ્યું છે તેવા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખનો પણ આ સેવાકાર્યમાં સહયોગ મળ્યો હતો. સાથે ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સામાજિક કાર્યકરો, સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Related posts

Leave a Comment