હિન્દ ન્યુઝ, આહવા
નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંતકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ (ડાંગ) ની વિદ્યાર્થિનીઓએ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર સાથે તેમના કાર્યાલયની ચેમ્બરમાં વિશેષ મુલાકાત કરી હતી.
આ પ્રસંગે કલેક્ટર એન.ડી.પરમારે વિદ્યાર્થિનીઓ સાથે આત્મીય અને હળવા વાતાવરણમાં સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસ, કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સમયનું યોગ્ય આયોજન અને જીવનમાં લક્ષ્ય નક્કી કરીને સતત મહેનત કરવાની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનમાં સફળતાનું સૌથી મજબૂત સાધન છે. આત્મવિશ્વાસ, શિસ્ત અને સતત પરિશ્રમ દ્વારા કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ અને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
વિદ્યાર્થિનીઓએ પણ નિઃસંકોચપણે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના કલેક્ટરએ સરળ અને પ્રેરણાદાયી જવાબો આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓમાં જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગે જિજ્ઞાસા વધી હતી અને સરકારી સેવાઓ તેમજ જાહેર વહીવટ વિશે મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થિનીઓએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ મુલાકાતને જીવનભર યાદગાર તથા પ્રેરણારૂપ અનુભવ ગણાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
