સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ‘Adani Cement FutureX’ અંતર્ગત પ્રેરણાદાયી ઓનલાઈન વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, દાહોદ

   સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ‘Adani Cement FutureX’ પ્લેટફોર્મ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે “Strength & Trust: A Roadmap to Succeed in Professional and Personal Life” વિષય પર પ્રેરણાદાયી ઓનલાઈન વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અદાણી ગ્રૂપના સિમેન્ટ બિઝનેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી વિનોદ બહેતીએ ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે વ્યાવસાયિક તથા વ્યક્તિગત જીવનમાં સફળતા માટે જરૂરી મૂલ્યો, નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને નૈતિકતાના મહત્વ અંગે વિસ્તૃત અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 બહેતીએ જણાવ્યું હતું કે, વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં ઊંચાઈઓ સર કરવા માટે શિસ્ત , વિશ્વાસ, પ્રામાણિકતા, વિશ્વસનીયતા અને સતત શીખવાની ભાવના અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “વ્યક્તિનું ચારિત્ર્ય અને વિશ્વસનીયતા તેની સૌથી મોટી મૂડી છે. શક્તિ વ્યક્તિને સન્માન અપાવે છે, જ્યારે વિશ્વાસ નવી તકોનું સર્જન કરે છે.”

વ્યાખ્યાન દરમિયાન તેમણે ટાટા ગ્રૂપ, ઇન્ફોસિસ, મહિન્દ્રા તથા અદાણી ગ્રૂપ જેવા દેશના અગ્રણી ઉદ્યોગસમૂહોના ઉદાહરણો ટાંકીને સમજાવ્યું હતું કે, કોઈપણ સંસ્થા કે વ્યક્તિની લાંબા ગાળાની સફળતા પાછળ નૈતિક મૂલ્યો, પારદર્શિતા અને શિસ્તબદ્ધ કાર્યશૈલીનો મોટો ફાળો હોય છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે, “કુશળતા તકના દ્વાર ખોલે છે, પરંતુ વિશ્વસનીયતા તે દ્વાર ખુલ્લો રાખે છે.”વિદ્યાર્થીઓને સંદેશ આપતાં તેમણે ઉમેર્યું કે, “નાની શરૂઆત કરો, દરરોજ સતત પ્રયત્ન કરો અને શિસ્તને તમારી ઓળખ બનાવો. સફળતા કોઈ એક દિવસની ઘટના નથી, પરંતુ સતત કરેલા સકારાત્મક પ્રયત્નોનું પરિણામ છે.”

આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રભાવશાળી સાબિત થયું હતું. કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યાવસાયિક જીવનમાં સફળતા માટે જરૂરી જીવનમૂલ્યો, નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ અંગે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.

Related posts

Leave a Comment