આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

આઈ.સી.ડી.એસ.અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે સનરાઇઝ કોલેજ ઓફ નર્સિંગ દાહોદ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરીના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રીમતી જહાંઆરા પઠાણ દ્વારા ઉપસ્થિત દીકરીઓને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ અને અધિકારો અંગે જાગરૂકતા કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ડૉ. સુધીર જોશીએ પોષણનું મહત્વ, કુપોષણની આડઅસરો તેમજ કિશોરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે જરૂરી સાવચેતીઓની સમજ આપી હતી.

આ ઉપરાંત મહિલા સુરક્ષા અને અધિકારોને લગતા વિવિધ કાયદાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે દીકરીઓમાં શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે હેતુથી, અભ્યાસ છોડી ચૂકેલી દીકરીઓને પુનઃશિક્ષણ સાથે જોડવા અને પુનઃપ્રવેશ અપાવવા સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને શિક્ષણ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તથા સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

દીકરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, સ્વાવલંબન અને કાયદાકીય જાગૃતિ કેળવવાના મુખ્ય હેતુ સાથે યોજાયેલ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related posts

Leave a Comment