હિન્દ ન્યુઝ, ડાંગ
ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઓરેન્જ એલર્ટ તથા તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આગામી સમયગાળા દરમિયાન પવન સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે આહવા તાલુકા સ્તરે તાત્કાલિક (ઇમર્જન્સી) બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલના અધ્યક્ષસ્થાને ડાંગ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આહવા તાલુકાના સંકલન અધિકારીઓની તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવાની કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તાલુકાના તમામ લાઇન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સતર્કતા રાખવા, આગામી આદેશ સુધી સ્ટેન્ડબાય સ્થિતિમાં રહેવા તેમજ ફરજિયાતપણે પોતાના હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત તમામ જરૂરી સાધનસામગ્રી, માનવબળ તથા સંચાર વ્યવસ્થા કાર્યરત રાખવા તેમજ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપી શકાય તે માટે જરૂરી પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી.
