મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડગામ ખાતે મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરીનું ઈ-લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, પાલનપુર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી વડગામ ખાતે નવીન મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરીનું ઈ-લોકાર્પણ તથા મહેસૂલી તલાટી વર્ગ-૩ના ૪૧ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના લોકકેન્દ્રિત અને વિકાસલક્ષી વહીવટી અભિગમના પરિણામે ગુજરાત આજે સર્વાંગી વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે. અગાઉના સમયમાં ‘જેવો રાજા તેવી પ્રજા’ની કહેવત પ્રચલિત હતી, પરંતુ આજે સમય બદલાયો છે. વર્તમાન સરકાર પ્રજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને કેન્દ્રસ્થાને રાખીને આયોજનબદ્ધ રીતે વિકાસના કાર્યો કરી રહી છે.

જિલ્લા પંચાયતના પ્રમુખએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ, આયુષ્માન ભારત યોજના તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર સમાજના દરેક વર્ગ સુધી વિકાસના લાભો પહોંચાડવા અને લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સતત કાર્યરત છે. વડગામ ખાતે શરૂ થયેલી નવી મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરી નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સાથે જ મહેસૂલી તલાટી વર્ગ- ૩ તરીકે નવી નિમણૂક મેળવનાર યુવા કર્મચારીઓ પણ લોક સેવાને ધ્યેય બનાવી જવાબદારીપૂર્વક પોતાની ફરજો નિભાવી જનહિતમાં કાર્ય કરશે અને લોકો માટે ઉપયોગી સાબિત થશે તેઓ તેમણે આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના હકારાત્મક અને નાગરિકકેન્દ્રિત અભિગમના પરિણામે શરૂ થયેલી આ મોડલ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નાગરિકોને નોંધણી સંબંધિત વિવિધ આનુષંગિક સેવાઓ એક જ સ્થળે વધુ સુવિધાજનક, પારદર્શક અને કાર્યક્ષમ રીતે ઉપલબ્ધ બનશે. દસ્તાવેજોની નોંધણી માટે આવતા નાગરિકોને સરળ, ઝડપી અને ગુણવત્તાસભર સેવાઓ સાથે સારો અનુભવ મળશે.

જિલ્લા કલેક્ટરએ મહેસૂલી તલાટી વર્ગ-૩ તરીકે નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને જિલ્લા વહીવટી તંત્ર અને સમગ્ર મહેસૂલ પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપ સૌ આજે જાહેર સેવાની નવી સફરની શરૂઆત કરી રહ્યા છો. તેમણે નવનિયુક્ત કર્મચારીઓને લોક સેવાને સર્વોચ્ચ ધ્યેય માનીને, પોતાના સંઘર્ષ અને પરિશ્રમને હંમેશા યાદ રાખી પ્રામાણિકતા, પારદર્શિતા, સંવેદનશીલતા અને હકારાત્મક અભિગમ સાથે પોતાની ફરજો નિભાવવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, વિવિધ પદાધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment