હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો અને સરકારી કર્મચારીઓને શુદ્ધ, સાત્વિક અને રસાયણમુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
‘આત્મા’ (ATMA) યોજના અને ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ’ના સંયુક્ત ઉપક્રમે વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક અનાજ, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ થશે.
આ વેચાણ કેન્દ્ર દર અઠવાડિયે ગુરુવારે સવારે ૦૯:૩૦ વાગ્યાથી ૧૨:૩૦ વાગ્યા સુધી કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, છોટાઉદેપુર ચાલુ રહેશે. જેમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંપૂર્ણપણે પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી પદ્ધતિથી પકવેલી વિવિધ સિઝનલ કૃષિ પેદાશોનું સીધું વેચાણ વ્યાજબી ભાવે કરવામાં આવશે.
જિલ્લાના તમામ નાગરિકો તેમજ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓને આ વેચાણ કેન્દ્રની મુલાકાત લઈ, પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને પોતાના સ્વાસ્થ્યને સુરક્ષિત બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
