હિન્દ ન્યુઝ, પાલનપુર
પક્ષકારો જ્યાં ન્યાયની અપેક્ષાએ આવતા હોય અને જેને પવિત્ર મંદિરની ઉપમા આપવામાં આવી હોય, તે ન્યાયમંદિરમાં જ્યારે ન્યાયની સાથે સ્વાસ્થ્યને લગતી સુવિધાઓનો વિચાર પણ અમલમાં આવે ત્યારે આ ઉમદા પહેલ માટે એક સચોટ સ્લોગન સ્ફુરે છે… ‘ન્યાય સાથે સ્વાસ્થ્ય’. નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના દિશાનિર્દેશ અને રાજ્ય સરકાર તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ, છેવાડાના બનાસકાંઠા જિલ્લાની દરેક તાલુકા અદાલતોમાં જિલ્લા અદાલત દ્વારા ‘આકસ્મિક આરોગ્ય કેન્દ્ર’ શરૂ કરીને ‘ન્યાય સાથે સ્વાસ્થ્ય’ની એક અનોખી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી એક પછી એક પ્રજાભિમુખ સુવિધાઓ ઊભી કરીને રાજ્યમાં જેની ગણના સતત થઈ રહી છે તેવા આપણા બનાસકાંઠા જિલ્લાના યશગાનમાં વધુ એક સુવર્ણપંખ ઉમેરાયું છે. આ ભગીરથ કાર્યમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ, જિલ્લાના ન્યાયતંત્રની સાથે જિલ્લા આરોગ્ય વિભાગનો સહયોગ સિંહફાળો સમાન રહ્યો છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અદાલતના આંગણે તબીબી સેવાઓ ઊભી કરવા માટે આપવામાં આવેલા આદેશને અક્ષરશઃ અમલમાં મૂકવા માટે બનાસકાંઠાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી અમિતકુમાર જે. કાનાણીએ બીડું ઝડપ્યું હતું. તેમણે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે અને જિલ્લા આરોગ્ય વિભાગ સાથે ઉત્કૃષ્ટ સંકલન સાધીને ગત તા. ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ પાલનપુર હેડક્વાર્ટર ખાતે પ્રથમ ‘આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર’ ખુલ્લું મૂક્યું હતું અને ત્યારબાદ બાકીના ૧૩ તાલુકાઓની કોર્ટમાં પણ આવા દવાખાના (ક્લિનિક) શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ સાથે જ અદાલતના આંગણે આરોગ્યના એક અનોખા અધ્યાયની શરૂઆત થઈ છે. કોર્ટ પરિસરમાં જ ઊભા કરવામાં આવેલા આ ઈમરજન્સી મેડી-કેર સેન્ટરમાં આરોગ્ય વિભાગ દ્વારા તબીબો (ડોક્ટર્સ) અને પેરામેડિકલ સ્ટાફની ખાસ નિમણૂક કરવામાં આવી છે, જેઓ નિયમિત સેવા આપશે. દિવસ દરમિયાન કોર્ટમાં આવતા જ્યુડિશિયલ ઓફિસર્સ, કોર્ટ સ્ટાફ, વકીલો અને પક્ષકારોને આરોગ્ય સંબંધિત નાની-મોટી તકલીફોથી માંડીને ઈમરજન્સી મેડિકલ કન્ડિશનમાં પણ ત્વરિત પ્રાથમિક સારવાર મળી રહે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુર ખાતે આ ઉદઘાટન પ્રસંગે આરોગ્ય વિભાગના સહયોગથી એક વિશેષ હેલ્થ કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં પ્રથમ જ દિવસે અંદાજે ૩૦૦થી વધુ લોકોની કેન્સર, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર (બીપી) જેવા બિન-ચેપી રોગોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.
ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ અમિતકુમાર જે. કાનાણીના માર્ગદર્શન હેઠળ ‘ન્યાય સાથે સ્વાસ્થ્ય’નો આ રથ પાલનપુર હેડક્વાર્ટરથી જિલ્લાની તાલુકા અદાલતો તરફ આગળ વધ્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગના ત્વરિત અને સક્રિય સહયોગના કારણે માત્ર ૧૩ દિવસના ટૂંકા ગાળામાં જ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હેડક્વાર્ટર સહિત તમામ ૧૪ તાલુકાઓની અદાલતોના સંકુલમાં આ ઈમરજન્સી મેડી-કેર સેન્ટરો ધમધમતા કરી દેવાયા છે.
બૃહદ બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારો જેવા કે સૂઈગામ, ભાભર, વાવ, દિયોદર અને થરાદ જેવા તાલુકાની ગરીબ અને સામાન્ય જનતા, જેઓ ન્યાય મેળવવા કોર્ટમાં આવે છે તેઓને કોર્ટના આંગણે જ આવી ઉત્તમ તબીબી સુવિધા મળવી આશીર્વાદરૂપ સાબિત થશે. અત્રે નોંધનીય છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે કે જેના તમામ તાલુકાની અદાલતોના સંકુલમાં એકસાથે આવા આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હોય.
