બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ પૂર્વ મંજૂરી પ્રક્રિયા બની વધુ પારદર્શક : હુકમની નકલ હવે ઓનલાઈન મેળવી શકાશે

હિન્દ ન્યુઝ, પાલનપુર

    બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારો અમલમાં છે. આનો મુખ્ય હેતુ સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોની તબદીલી પારદર્શક અને કાયદેસર રીતે થાય તેમજ કોઈપણ પ્રકારના દબાણ, લાલચ, છેતરપિંડી અથવા સામાજિક અસંતુલનની પરિસ્થિતિ ઊભી ન થાય તેની ખાતરી કરવાનો છે. આ કાયદા હેઠળ નિયત વિસ્તારોમાં મિલકતની ખરીદી-વેચાણ પહેલાં પાલનપુર પ્રાંત અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે.

અશાંત ધારાના સંદર્ભે પાલનપુર પ્રાંત અધિકારી ડૉ. ડી. એ. ભારાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ પાલનપુર શહેરમાં અશાંત ધારો અમલમાં છે. આ ધારા હેઠળ મિલકતની તબદીલી પહેલાં પ્રાંત કચેરીમાં પૂર્વ મંજૂરી માટે અરજી કરવાની રહે છે. જોકે, અરજદારોને વધુ સરળ અને પારદર્શક સેવા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ હુકમની નકલ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે અરજદારો collectoratebanaskantha.gujarat.gov.in વેબસાઈટ પર જઈને પોતાની અરજીની હુકમની નકલ ઘરે બેઠા મેળવી શકશે. તેમજ તે હુકમને વેબસાઇટ પરથી ડાઉનલોડ પણ કરી શકશે. 

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના હકારાત્મક, પારદર્શક અને જનકેન્દ્રિત અભિગમના પરિણામે અશાંતધારા હેઠળ મળતી અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવી રહ્યો છે. જાન્યુઆરી–૨૦૨૬થી તા. ૨૨ જૂન, ૨૦૨૬ સુધી જિલ્લામાં અશાંત ધારા હેઠળ કુલ ૮૫૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ૮૩૨ અરજીઓનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની અરજીઓ પણ નિયમો અનુસાર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવાની કામગીરી પ્રગતિમાં છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વધુ સુવિધાજનક, પારદર્શક અને જવાબદાર વહીવટી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment