હિન્દ ન્યુઝ, પાલનપુર
ભારત સરકારના પ્રાણી કલ્યાણ સંબંધિત કાયદા તેમજ ઉચ્ચ ન્યાયાલયના આદેશોના અનુસંધાનમાં ગ્લુ ટ્રેપના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધના અસરકારક અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્લુ ટ્રેપમાં ફસાયેલા પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને અસહ્ય પીડા ભોગવવી પડે છે, જે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ભંગ ગણાય છે.
વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ સંબંધિત વિભાગો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા અમલીકરણ એજન્સીઓને ગ્લુ ટ્રેપના ઉપયોગને રોકવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, ખરીદી અથવા ઉપયોગ કરનાર વ્યક્તિઓ સામે પ્રચલિત કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વેપારીઓને પણ આવા ઉત્પાદનોનું વેચાણ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ ગ્લુ ટ્રેપનો ઉપયોગ ન કરે તથા ઉંદર અથવા અન્ય જીવાતોના નિયંત્રણ માટે માનવતાવાદી અને પર્યાવરણને અનુકૂળ વૈકલ્પિક ઉપાયો અપનાવે. જો કોઈ સ્થળે ગ્લુ ટ્રેપનો ઉપયોગ અથવા વેચાણ થતું જણાય તો તેની જાણ સંબંધિત તંત્રને કરી પ્રાણી સંરક્ષણ અને પર્યાવરણ જાળવવાના પ્રયાસોમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે તેમ નાયબ પશુપાલન અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
