હિન્દ ન્યુઝ, ડાંગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ખુલ્લામાં શૌચમુક્તિનાં ધ્યેયનો હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી.
ગુજરાતનાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ કદાચ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ટ્વિન-પિટ (Twin-pit) શૌચાલયોને લોકપ્રિય બનાવનાર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જાહેર ખબર જોઇ નહીં હોય, પણ તેમણે આ ટેક્નોલોજીને એટલી અસરકારક રીતે અપનાવી છે કે, આજે ડાંગ જિલ્લો ગ્રામ્ય સ્વચ્છતાના ક્ષેત્રે દેશ માટે એક મોડેલ બન્યો છે.
ગાઢ જંગલો, હરિયાળા પહાડો અને ચોમાસાનાં આહલાદ્ક દૃશ્યો માટે જાણીતો ડાંગ જિલ્લો આજે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ફિકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વપૂર્ણ ઘટક એવા ટ્વિન-પિટ શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે પણ ઓળખ મેળવી રહ્યો છે.
ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના કોઓર્ડિનેટર વિપુલ પરદેશીએ જણાવ્યું કે, “ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓ અને 310 ગામો છે. ડાંગ જિલ્લામાં અંદાજે 2.96 લાખની વસ્તી છે. જિલ્લામાં કુલ 58,966 પરિવારોમાંથી 51,613 પરિવારો ટ્વિન-પિટ શૌચાલય અપનાવી ચૂક્યા છે, જે જિલ્લાના કુલ શૌચાલયોનાં લગભગ 95 ટકા જેટલા છે. ફિકલ સ્લજ મેનેજમેન્ટ ક્ષેત્રે આ નોંધપાત્ર સિદ્ધિ છે. આ બધુ લોકભાગીદારીથી શક્ય બન્યું છે. સરકાર દરેક પરિવારે ટ્વિન-પિટ શૌચાલય બનાવવા માટે રૂ. 12,000ની સહાય આપે છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ખુલ્લામાં શૌચમુક્તિનો ધ્યેય હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ આ પહેલ સ્વચ્છતા, મહિલાઓની સુરક્ષા અને સર્વાંગી ગ્રામિણ આરોગ્ય પર કેન્દ્રિત એક વ્યાપક જનજાગૃતિ અને વર્તન પરિવર્તનના અભિયાનમાં વિકસિત થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના દરેક પરિવારોને શૌચાલય મળે તેની વ્યવસ્થા કરી છે અને સ્વચ્છતામાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.
ડાંગ જિલ્લાની આ સફળતાએ રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન આકર્ષિત કર્યું છે.
