હિન્દ ન્યુઝ, જૂનાગઢ
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરીઓના સશક્તિકરણ અને જીવન ઘડતર માટે એક પ્રશંસનીય ડિજિટલ પહેલ હાથ ધરવામાં આવી છે. આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત અને અપરાજિતા ફાઉન્ડેશન વચ્ચે થયેલા સમજુતી કરાર અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં “ટીમ ટીમ તારા” (TTT) પ્રોગ્રામ હેઠળ ખાસ ડિજિટલ સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ આધુનિક પહેલ અંતર્ગત સ્માર્ટ ટી.વી. ધરાવતી આંગણવાડી કેન્દ્રો પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નોંધાયેલી તમામ કિશોરીઓને જીવન કૌશલ્યને લગતા પ્રેરણાદાયી અને શૈક્ષણિક વીડિયો બતાવવામાં આવ્યા હતા. આ ડિજિટલ સમર કેમ્પનું સંચાલન બે અલગ-અલગ તબક્કામાં જિલ્લાના વિવિધ ઘટકોમાં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં ગત તા.૨૫/૦૫/૨૦૨૬ થી તા.૨૯/૦૫/૨૦૨૬ સુધી ભેસાણ અને જૂનાગઢ-૨ ઘટકમાં આયોજન કરાયું હતું.
આ ઉપરાંત દ્વિતીય તબક્કામાં ગત તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૦૫/૦૬/૨૦૨૬ સુધી કેશોદ-૧ તથા કેશોદ-૨ ઘટકના આંગણવાડી કેન્દ્રો પર આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મહિલાઓ અને કિશોરીઓને આ પહેલ જીવન ઘડતરમાં ઉપયોગી સાબિત થશે. આ ખાસ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધારવો અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. કેમ્પ દરમિયાન કિશોરીઓને જીવન કૌશલ્ય વિકાસ અંતર્ગત રોજિંદા જીવનમાં ઉપયોગી નિર્ણયો લેવા, સમસ્યાઓનો સામનો કરવો અને નેતૃત્વ ગુણો ખીલવવા જેવી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધ સ્માર્ટ ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોનો આવો સકારાત્મક ઉપયોગ કિશોરીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક સીમાચિહ્નરૂપ કદમ સાબિત થશે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમ આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી, ભેસાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
