આગામી ૦૭મી જૂને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત સામાન્ય અભ્યાસની સંયુક્ત પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

     ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત કુલ ચાર જાહેરાતોની સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા (જાહેરાત ક્રમાંક:૯૯૯૪/૨૦૨૬-૨૭) ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. 

સમગ્ર કચ્છ જિલ્લામાં આ પરીક્ષા, ઉમેદવારો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમિયાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમિયાન ચોરીઓના દૂષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા જરૂરી છે. 

જેથી ડી.પી.ચૌહાણ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ભુજ શહેરના નીચે મુજબના ૯ પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૦૭/૦૬/૨૦૨૬ (રવિવાર)ના સવારના ૦૬:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી વિવિધ પ્રતિબંધ ફરમાવેલ છે: 

 પરીક્ષા કેન્દ્રોમાં ૧. ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, સેન્ટર-એ (મહાદેવ ગેટ પાસે, હમીરસર તળાવની સામે, ભુજ-કચ્છ) ૨. ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, સેન્ટર-બી (મહાદેવ ગેટ પાસે, હમીરસર તળાવની સામે, ભુજ-કચ્છ) ૩. શ્રી ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ, ભુજ યુનિટ-૧ (નવા એસ.ટી.બસ સ્ટેશન સામે, ભુજ-કચ્છ) ૪. શ્રી ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ, ભુજ યુનિટ-૨ (નવા એસ.ટી.બસ સ્ટેશન સામે, ભુજ-કચ્છ) ૫. શ્રી શેઠ વી.ડી.હાઇસ્કૂલ, ભુજ (ઈન્દ્રાબાઈ પાર્ક સામે, માતૃછાયા માર્ગ, ભુજ-કચ્છ) ૬. શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલય, ભુજ (માતૃછાયા માર્ગ, સંતોષીમાના મંદિર પાસે, ભુજ-કચ્છ) ૭. જૈનાચાર્ય અજરામરજી સ્કૂલ, ભુજ (અજરામરજી ચોક, રોટરી હોલ સામે, હોસ્પિટલ રોડ, ભુજ-કચ્છ) ૮. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ભુજ (આર.ટી.ઓ ઓફિસની સામે, કેમ્પ એરિયા, માધાપર હાઈવે, ભુજ-કચ્છ) ૯. સેન્ટ એન્ડ્રુઝ હાઈસ્કુલ, ભુજ (હરીપર-ટપકેશ્વરી રોડ, ભુજ-કચ્છ) નો સમાવેશ થાય છે. 

આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમ જ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ કે કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રો કે બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઊભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકશ્રીઓ, બિલ્ડીંગના કન્ડક્ટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે. પોલીસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્ર કે બિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે અને વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ વાયરલેસ ડીવાઈસીસ જેવા કે બ્લુ ટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા નહીં. 

આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને તેમજ પોતાની ફરજની રૂએ કામ કરતી વ્યક્તિને એકત્રિત થવાની જોગવાઈ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. 

Related posts

Leave a Comment