હિન્દ ન્યુઝ, વલસાડ
દક્ષિણ ગુજરાત એટલે ૫૨ બાગનો બગીચો ગણાય છે. વાપી થી તાપી નો વિસ્તાર ભગવાન પરશુરામની ભુમિ ગણાય. તેમાં વલસાડ જિલ્લો સમગ્ર ગુજરાત અને ભારતભરમાં તેની ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી કેરીઓ, ખાસ કરીને હાફૂસ (Apphonso) અને કેસર માટે વિશ્વવિખ્યાત છે. વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ કેરી પાક માટે આશીર્વાદરૂપ ગણાય છે.
વલસાડના તમામ તાલુકાઓમાં આબાવાડીઓ આવેલી છે. પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકાઓ હાફૂસ કેરી ઉત્પાદનમાં મોખરે છે. ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાઓમાં મોટાપાયે આંબાવાડીઓનો વિકાસ થયો છે. જ્યાં પ્રાકૃતિક પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
વલસાડ જિલ્લાના નાયબ બાગાયત અધિકારી નિકુંજ પટેલના જણાવ્યા અનુસાર, વલસાડ જિલ્લામાં ૩૯૦૭૬ હેક્ટર વિસ્તારમાં આંબા વાડીયો આવેલી છે. જે અનુસાર વલસાડ જિલ્લામાં હજુ કેરી સિઝન ચાલુ હોવાથી વર્ષ ૨૦૨૫-૨૬ માં એક સિઝન દરમિયાન આશરે ૨૧૪૯૧૮ ટન કેરીના પાકના ઉત્પાદનનો અંદાજ છે. ૩૦૦૦૦થી વધુ હેક્ટર વિસ્તારમાં કેસર, ૪ હજારથી વધુ હેક્ટરમાં હાફૂસ અને આશરે ૧૦૦૦થી વધુ હેક્ટરમાં અન્ય સ્થાનિક કેરીની જાતો જેવી કે, રાજાપુરી, લંગડો, દશેરી, આમ્રપાલી, તોતાપુરી તેમજ દેશી કેરીનું ઉત્પાદનની શકયતાઓ છે.
ધરમપુર કેરી માર્કેટ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા અને પ્રખ્યાત બજારો પૈકીનું એક છે. વલસાડ જિલ્લામાં થતી પ્રખ્યાત વલસાડી કેસર, હાફૂસ અને અન્ય જાતોના હોલસેલ વેપાર માટે આ મુખ્ય કેન્દ્ર છે. સિઝન દરમિયાન આ માર્કેટમાં આશરે ૪૫૦ થી પણ વધુ કેરીના સ્ટોલ દ્વારા ઉભા કરવામાં આવે છે. માર્કેટમાં મુંબઈ, અમદાવાદ, સુરત, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત આ જિલ્લાના સ્થાનિક વેપારીઓ મળી ૪૫૦ વધુ વેપારીઓ કેરી વ્યાપાર કરે છે. સ્થાનિક આદિવાસી ખેડૂતોથી લઈ જિલ્લાભરના બાગાયતી ખેડૂતો પોતાના કેરીના પાકને સીધા વેચાણ અર્થે આ માર્કેટમાં લાવે છે. વધુ વેપારીઓ હોવાથી દરેક ખેડૂતો પોતાની ઈચ્છા પ્રમાણે કેરીના પોષણક્ષમ ભાવ પણ મેળવે છે. અહીંથી સેંકડો ટ્રકો ભરી દેશના અન્ય માર્કેટોમાં પણ મોકલવામાં આવે છે.
માર્કેટમં કેરીની ગુણવત્તાના હિસાબે ૨૦ કિલો (૧ મણ) કેરીના ભાવો નક્કી થાય છે. કેરીનું ગ્રેડિંગ કરી ખુલ્લી હરાજી મારફતે પારદર્શક વેચાણ થાય છે. અહીં હરાજીમાં કેરીના ભાવ નક્કી કરવાની પણ અનોખી પદ્ધતિ છે. ખેડૂત અને વેપારી હાથરૂમાલ નીચે હાથ રાખી કેરીના ભાવ નક્કી કરે છે. ખેડૂત અને વેપારી ભાવતાલ કર્યા બાદ બન્ને એક સંતોષકાર ભાવ નક્કી કર્યા બાદ હાથ મિલાવી સોદો પુરો કરે છે.
જિલ્લાની ધરમપુર અને વલસાડ એપીએમસી મારફતે અમેરિકા, યુરિપીયન દેશો તેમજ ગલ્ફ દેશોમાં કેસર અને હાફૂસ કેરીની મોટા પ્રમાણમાં નિકાસ પણ થાય છે. ધરમપુર એપીએમસી દ્વારા દરરોજ ૧૨૦ ટન અને વલસાડ માર્કેટમાંથી ૩૦ ટન કેરીની નિકસ થાય છે. જ્યારે વલસાડ જિલ્લામાંથી સિઝન દરમિયાન આશરે ૧૦૦૦૦ ટન કેરીની નિકાસ કરવામાં આવે છે. જિલ્લામાં અન્ય તાલુકાની એપીએમસી અને ગ્રામીણ બજરો મારફતે પણ કેરી વેચાણ અને નિકાસ થાય છે. જિલ્લામાં કેરીના પલ્પ બનાવતા નાના મોટા અનેક પ્રોસેસિંગ યુનિટ્સ પણ આવેલા છે જેમાં પણ કેરીનું વેચાણ કરવામાં આવે છે. આ યુનિટ્સ મારફતે બારેમાસ મેંગો પલ્પ (કેરીનો રસ) ઉપલબ્ધ બન્યો છે.
ધરમપુર કેરી માર્કેટ માત્ર ખેડૂતો કે વેપારીઓ માટે જ રોજગારીનું સ્થાન નથી પરંતુ આસપાસના વિસ્તારના હજારો લોકોને પણ સીધી રોજગારી પૂરી પાડે છે. ધરમપુરના ખેડૂત આગેવાન જીવાભાઈ આહિર જણાવે છે કે, અહીં કેરી સિઝન દરમિયાન સ્થાનિક આદિવાસીઓને ઘણા સારા પ્રમાણમાં રોજગારીની તકો મળે છે. આશરે ૮૦૦૦ થી ૧૦૦૦૦ જેટલા મજૂરો દરરોજ રોજગારી મેળવે છે. દેશભરના વેપારીઓ અહીં વેપાર અર્થે આવે છે સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પણ રોજગારીની તકો ઊભી થાય છે. દરરોજ હજારો નાના મોટા ટ્રાસપોર્ટેશનના વાહનોને કેરી લાવવા લઈ જવાના ભાડા મળે છે.
માર્કેટ ખાતે દરરોજ મજૂરીકામ માટે આવતા ધરમપુરના ગોરખડા ખાતેના દિનેશભાઈ ફેલુભાઈ કુંવરે જણાવ્યું હતું કે, કેરી સિઝન દરમિયાન તેઓને મજૂરી કામ માટે દૂર જવુ6પડતું નથી. માર્કેટમાં ઝાડ પરથી કેરી બેડવાના, કેરેટ ઉંચકવાના, ટેમ્પોમાં કેરીના કેરેટ ભરવાના સહિત અનેક કામો મળે છે. નક્કી ભાવો પ્રમાણે તેઓ દિવસના આશરે રૂ.૧૨૦૦ થી રૂ.૧૫૦૦ ની કમાણી કરે છે. વધુ કામ હોય તે દિવસે રૂ. ૧૭૦૦ થી રૂ.૧૮૦૦ સુધીની સીધી કમાણી કરે છે. તેઓ કેરીની એક સિઝન દરમિયાન આશરે રૂ. ૫૦ થી ૬૦ હજાર સુધીની રોજગારી મેળવે છે.
