હિન્દ ન્યુઝ, જૂનાગઢ
ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વસતી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અનુસંધાને જૂનાગઢ કલેકટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
વસ્તી ગણતરી-૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. તા. ૧૭ મે થી તા. ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાની જાતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા કલેકટરશ્રી યોગેશ ચૌધરી દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું છે . જિલ્લા કલેક્ટરશ્રી, દ્વારા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
નાગરિકો પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકે છે.
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વસ્તી ગણતરી-૨૦૨૭ હાથ ધરવામાં આવનાર છે. તેના પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા. ૧ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા વધુ સરળ અને સુચારૂ બને તે હેતુથી તા. ૧૭ મે થી તા. ૩૧ મે, ૨૦૨૬ સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સ્વ-ગણતરી માટે નાગરિકોએ પોર્ટલ પર જઈ પોતાનું રાજ્ય, જિલ્લો અને અન્ય જરૂરી વિગતો દાખલ કરીને નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર આધારિત OTP વેરિફિકેશન પૂર્ણ કરી વિગતો ઓનલાઈન દાખલ કરવાની રહેશે. તમામ વિગતો ચકાસ્યા બાદ Final Submit કરવાથી ૧૧ આંકડાનો યુનિક આઈડી જનરેટ થશે, જે મોબાઈલ પર SMS દ્વારા પ્રાપ્ત થશે.
પછી જ્યારે વસ્તી ગણતરીદાર ઘરની મુલાકાતે આવે ત્યારે આ યુનિક આઈડી તેમને આપવાનો રહેશે, જેથી ઓનલાઈન ભરેલ માહિતીની ખરાઈ થઈ શકે.
જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી એ તમામ નાગરિકોને સમયમર્યાદામાં સ્વ-ગણતરી પૂર્ણ કરી રાષ્ટ્ર નિર્માણના આ મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
