ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની અધ્યક્ષતામાં ગ્રામ લોકસંવાદ સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં જાહેર ગ્રામ લોકસંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

          ગ્રામ લોકસંવાદ કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ કલેક્ટર સમક્ષ પોતાના ફળિયા વિસ્તારના પ્રશ્નો, સરકારી યોજનાઓના લાભ, ગામના રસ્તા, પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની એ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

           કલેક્ટર મનીષ ગુરવાનીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે તેમજ કાયદા અને નિયમોનુસાર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર તથા રાજ્ય સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ગ્રામ્ય સ્તરે મિશન મોડ પર કેમ્પ યોજી અમલમાં મૂકવામાં આવે અને કોઈપણ યોગ્ય લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તેની વિશેષ કાળજી લેવામાં આવે.

             વિશેષ કરીને ગામમાં કોઈપણ બાળક કુપોષિત ન રહે તે માટે આરોગ્ય અને પોષણ સંબંધિત કામગીરીને વધુ મજબૂત બનાવવા તેમજ ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જનભાગીદારી વધારવા તાલુકા વિકાસ અધિકારીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

             આ ગ્રામ લોકસંવાદ સભામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળી સંબંધિત વિભાગોની સરકારની યોજનાઓ, મળવાપાત્ર લાભો તેમજ જનકલ્યાણકારી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

            આ ઉપરાંત ગ્રામ લોકસંવાદ કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ગામની આંગણવાડીઓ તથા શાળાની મુલાકાત લઈ સંબંધિત કર્મચારીઓ પાસેથી કામગીરી અને સુવિધાઓ અંગે માહિતી મેળવી સ્થળ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

             ગ્રામસંવાદ સભામા ચીખલી ઇ.ચા પ્રાંત અધિકારી રોશની પટેલ, તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઈ, ગણદેવી તાલુકા મામલતદાર, જિલ્લાના તથા તાલુકાના અધિકારીઓ તેમજ ઇચ્છાપોર ગામના સરપંચ, અગ્રણીઓ, શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment