હિન્દ ન્યુઝ, બોટાદ
ગુજરાત રાજયમાં વસતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અનુસાર રાજયમાં વસતા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ તા:૩૧/૧૨/૨૦૨૬ ને ધ્યાને રાખતા ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જેમાં બોટાદ જિલ્લાના બરવાળા, ગઢડા, બોટાદ અને રાણપુર તાલુકાકક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર આગામી સમયમાં યોજવામાં આવશે. આ શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પધ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજ્જ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે.
જ્યારે શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. આ શિબિરનો લાભ લેવા ઇચ્છતા માત્ર અનુસુચિત જાતિના યુવક યુવતીઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, એ/એસ/૧૩, ખસ રોડ, બોટાદ ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી તા:૩૦/૦૫/૨૦૨૬, બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીએ પહોંચતું કરવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ. જિલ્લા યુવા વિકાસ અધિકારી બોટાદની યાદીમાં જણાવાયું છે.
