હિન્દ ન્યુઝ, પાલનપુર
ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના ૨૦૨૭ અન્વયે આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે ત્યારે આજથી તા.31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે.
રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમની સાથે અન્ય સહયોગીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સેલ્ફ એન્યુમરેશન અંતર્ગત નાગરિકો પોતે જ પોતાની અને પોતાના પરિવારની સચોટ વિગતો ઘરેબેઠા ઓનલાઇન માધ્યમથી નોંધાવી શકે છે, જે પારદર્શક અને સરળ પ્રક્રિયા છે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાઈ સચોટ માહિતી પૂરી પાડવા અનુરોધ કર્યો હતો.
મંત્રીએ જણાવ્યું કે, નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતી સરકારને ભવિષ્યની લોકકલ્યાણકારી યોજનાઓના આયોજન, વિકાસકાર્યોના અસરકારક અમલીકરણ તેમજ સુદ્રઢ વહીવટી માળખું તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરી એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીના આધારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન તથા અમલીકરણ કરવામાં આવે છે.
સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગ દર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ
સક્રિય નાગરિક ભાગીદારીથી પોતાની વિગતો ઓનલાઈન ભરીને સમયસર અને સચોટ માહિતી પણ આપી શકે છે.
વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત સ્વ-ગણતરી પદ્ધતિ રજૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ગણતરી 17 થી 31 મે, 2026 દરમિયાન વેબ પોર્ટલ પર નાગરિકો પોતાની વિગતો પૂરી પાડીને સ્વ ગણતરી માં ભાગ લઈ શકશે, ત્યારબાદ 1 થી 30 જૂન, 2026 દરમિયાન 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ (HLO) હાથ ધરવામાં આવશે.
