છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના સઘન પ્રયાસો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     આગામી એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ નિભાવે તે હેતુથી SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત જિલ્લાભરમાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

    આ અભિયાનના ભાગરૂપે જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા સ્વીપ નોડલ પી.આર. વાઘેલા અને તેમની ટીમ દ્વારા જેતપુર પાવી તાલુકાના સુપ્રસિદ્ધ કલારાણી હાટ બજાર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

     સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઝાબના વિદ્યાર્થીઓ દ્વારા ‘મનોરંજન સાથે મતદાન’ થીમ પર પ્રભાવી નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ સ્થાનિક બોલીમાં સંવાદો રજૂ કર્યા હતા, જેની સીધી અને સચોટ અસર ઉપસ્થિત જનમેદની પર જોવા મળી હતી.

    કલારાણી હાટ બજારમાં આસપાસના અનેક ગામોમાંથી ખરીદી અર્થે આવેલા ગ્રામ્યજનોની જનમેદની વચ્ચે વિદ્યાર્થીઓએ કલાના માધ્યમથી મતાધિકારનું મહત્વ સમજાવ્યું હતું. ‘ચૂંટણીમાં મતદાન અચૂક કરીએ’ અને ‘લોકશાહીને મજબૂત બનાવીએ’ તેવા સૂત્રો સાથે મતદાતાઓને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

Related posts

Leave a Comment