હિન્દ ન્યુઝ, નવસારી
જિલ્લાના પ્રજાહિતના પાયાકીય વિકાસ કામોને વેગ આપવા અને વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા આયોજનને મંજૂરી આપવા માટે જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે આયોજન બેઠક યોજાઈ હતી.
નવસારી કલેક્ટર કચેરીના “પૂર્ણા ખંડ” ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લાના વર્ષ ૨૦૨૬-૨૭ માં તાલુકાવાર સંભવિત નવી જોગવાઈ કુલ રૂ.૧૧૫૦ લાખ આંકવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫–૨૬ના વર્ષની વિવિધ જોગવાઈ હેઠળ મંજૂર થયેલી રકમ રૂ.૨૬૮૨.૧૯ લાખના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ કામોના આગોતરા આયોજનની સમીક્ષા કરતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ કામ બેવડાય નહીં તેની ખાતરી સાથે કામોની ઉપયોગિતા ચકાસીને તેને પ્રાધાન્ય આપવું જોઈએ. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે જિલ્લાના સામાન્યમાં સામાન્ય માનવી સુધી સુવિધાઓ પહોંચે તે રીતે આયોજન કરવું અનિવાર્ય છે.
દરમિયાન વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ સુધીની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કે જે કામો હજુ પ્રગતિ હેઠળ છે તે નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવું. આ ઉપરાંત, માનનીય સંસદસભ્યના ફંડ હેઠળના કામોની પણ વિગતવાર સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ જિલ્લામાં વિકાસ કામોની પસંદગી બાબતે ગંભીરતા દાખવવા અને ગ્રાન્ટ લેપ્સ ન જાય તેવી સ્થિતિ નિવારવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યવાહી દરમિયાન ગત તા.૨૪.૦૧.૨૦૨૫ ના રોજ મળેલી વર્ષ ૨૦૨૫-૨૬ ની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
આ બેઠકમાં નવસારી કલેક્ટર સુ ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુ પુષ્પલતા, પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા આયોજન અધિકારી એસ.કે ખુમાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ પ્રાંત અધિકારીઓ તથા તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકની કાર્યવાહી જિલ્લા આયોજન અધિકારી દ્વારા સંભાળવામાં આવી હતી.

