કચ્છના આંગણે દશક બાદ ગુંજ્યો ‘ઘોરાડ’નો કિલકિલાટ: અબડાસામાં ‘ઓપરેશન એગ ટ્રાન્સફર’ દ્વારા ઐતિહાસિક સફળતા

હિન્દ ન્યુઝ, કચ્છ

    કચ્છના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાયું છે. અબડાસાના ઘાસિયા મેદાનોમાં લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ અત્યંત દુર્લભ એવા ‘ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ) ના બચ્ચાનો જન્મ થયો છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ (Jumpstart Approach) અને આધુનિક સંરક્ષણ પદ્ધતિનું પરિણામ ગણાવ્યું છે.


ઓપરેશન એગ ટ્રાન્સફર: ૧૯ કલાકની રોડ મુસાફરી અને સફળ સેવન

   કચ્છમાં નર ઘોરાડની ગેરહાજરીને કારણે માદા ઘોરાડ ઈંડા તો મૂકતી હતી, પરંતુ તે અફલિત (Infertile) રહેતા હતા. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત વન વિભાગ દ્વારા એક સાહસિક અભિયાન હાથ ધરાયું હતું. રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટર ખાતેથી એક ફલિત (Fertile) ઈંડું પોર્ટેબલ ઈન્ક્યુબેટરમાં મૂકી, ૧૯ કલાક સુધી સતત રોડ માર્ગે મુસાફરી કરાવીને સુરક્ષિત રીતે કચ્છ લાવવામાં આવ્યું હતું. તાજેતરમાં ૨૨ માર્ચના રોજ, કચ્છની માદા ઘોરાડના માળામાં રહેલા અફલિત ઈંડાને બદલે આ ફલિત ઈંડું મૂકવામાં આવ્યું હતું (નેસ્ટ રિપ્લેસમેન્ટ). માદા ઘોરાડ દ્વારા આ ઈંડાનું કુદરતી રીતે સેવન કર્યા બાદ, ૨૬ માર્ચના રોજ તેમાંથી તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો છે.

આ અભૂતપૂર્વ સફળતા પાછળ કચ્છ વન વિભાગના અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફની રાત-દિવસની મહેનત રહેલી છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મુખ્ય વન સંરક્ષક IFS ધીરજ મિત્તલ, નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર ના સીધા માર્ગદર્શન હેઠળ એ.સી.એફ એચ. જે ચૌધરી, આર.એફ.ઓ કનકસિંહ રાઠોડ અને ફિલ્ડ સ્ટાફ/બીટ ગાર્ડ્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.


સંયુક્ત પ્રયાસોનું પરિણામ

     આ મિશનની સફળતામાં કેન્દ્ર સરકાર, ગુજરાત અને રાજસ્થાન રાજ્ય સરકાર તેમજ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (WII)નો પાયાનો સહયોગ રહ્યો છે. વર્ષ ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું વિઝન આજે સાકાર થતું જણાય છે. હાલમાં ફિલ્ડ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ઘોરાડ અને નવજાત બચ્ચાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment