હિન્દ ન્યુઝ, બારડોલી
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્તાન પાસે આવેલ હયાત એલ.સી.નં.-૨૫ ઉપર રેલ્વે વિભાગના પોલ નં.૨૭/૧૫ થી ૨૭/૧૬ ની વચ્ચે રૂ.૨૮.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં બારડોલી અને તેની આસપાસના વિસ્તારોમાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. તેમણે કહ્યું કે, કડોદરાથી બારડોલી સુધીના ૧૭.૫ કિમીના ફોર લેન રસ્તાને હવે સિક્સ લેન બનાવવા રૂ.૬૪.૧૫ કરોડની સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેનાથી કડોદરા-બારડોલી વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી બનશે. વધુમાં પરમારે કહ્યું હતું કે, બારડોલી તાલુકામાં ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે બારડોલી સુગર ફેક્ટરી સામે, તેનથી બાબેન રોડ, ગંગાધરા-કારેલી અને બગુમરા ખાતે નવા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે. ચલથાણ ખાતે નવા અન્ડરપાસનું નિર્માણ થશે. આ ઉપરાંત, મિઢોળા નદી પરના જૂના બ્રિજની બંને બાજુએ નવા બ્રિજ બનાવીને ટ્રાફિકની અવરજવર હળવી કરવામાં આવી છે.
