હિન્દ ન્યુઝ, દાહોદ
ભારત સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદ જિલ્લાની મુલાકાતે આવતાં તેમણે પ્રથમ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં પીએમ રાધેગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત મુલાકાત લીધી હતી. જેમાં સંયુક્ત સચિવ નિરાલાએ શાળાના આચાર્યા સાથે ચર્ચા કરીને શાળાની સમગ્રતયા માહિતી મેળવી હતી. એ સાથે કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરીને વર્ગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો.
ત્યાર બાદ નાની ખજુરી, અંતેલા ખાતે આવેલ પીએમ GLRS સ્કૂલ (ગર્લ્સ લિટરેસી રેસીડેન્સીયલ સ્કૂલ) ની પણ મુલાકાત લઈને શાળાનું નિરીક્ષણ કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ ઉમળકાભેર સચિવનું સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્યાએ શાળાની સમગ્ર માહિતી વિશે માહિતગાર કર્યા હતા. સચિવ, કલેકટર તેમજ પ્રાયોજના વહીવટદારએ શાળામાં આપવામાં અપાતી સુવિધાઓ, ભોજનકક્ષ, મ્યુઝિક રૂમ, લાયબ્રેરી, સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, ફિઝિકલ લેબ સાથે વિદ્યાર્થીનીઓએ કરેલ વિવિધ પ્રકારની પ્રવૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું. સચિવ નિરાલા તેમજ કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ વાર્તાલાપ કરી છેલ્લે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ દરમ્યાન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની પણ મુલાકાત કરી હતી. જેમાં અંતેલા ગામના ભરતભાઈ પટેલ કે જેમણે વિવિધ પ્રકારની શાકભાજી તેમજ ફળોની ખેતી અંગે માહિતી મેળવી હતી. ત્યાં ઉપસ્થિત અન્ય ખેડૂતો સાથે પણ વાર્તાલાપ કરીને જરૂરી માહિતી મેળવી હતી. ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેક્ટ થકી અપાતી વિવિધ સહાય અંગે માહિતી મેળવી સાધનિક સહાય તરીકે મળેલ ટ્રેક્ટરનું નિરીક્ષણ કર્યું હતું.
છેલ્લે પર્વતભાઈ પટેલ કે જેઓ પ્રાકૃતિક ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત તરીકે અન્ય ખેડૂતો માટે રોલ મોડેલ બની પ્રાકૃતિક ફાર્મ બનાવ્યું છે તેમના ફાર્મની મુલાકાત લીધી હતી. ત્યાં પર્વતભાઈ પટેલ સાથે વિગતે ચર્ચા કરીને પ્રાકૃતિક ખેતીના આયામો, પ્રક્રિયા તેમજ તેનાથી થતા ફાયદાઓ અંગે માહિતી મેળવી હતી. આ સાથે સચિવએ જણાવ્યું હતું કે, દેવગઢ બારીયામાં ખેડૂતો ખુબ સારી રીતે પ્રાકૃતિક ખેતી અપનાવીને એનો પ્રસાર-પ્રચાર કરી રહ્યા છે. તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે.
આ મુલાકાત દરમ્યાન દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ.દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત બારીયા, આત્મા પ્રોજક્ટ ડાયરેક્ટર પટેલ, દેવગઢ બારીયા પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
