હિન્દ ન્યુઝ, જૂનાગઢ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં ૮ માર્ચે ઉજવાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ – ૨૦૨૬ની ઉજવણીને અનુલક્ષીને Fit India Movement અંતર્ગત “Strong Women, Strong Nation” થીમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોનો મુખ્ય હેતુ મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી, આરોગ્ય જાગૃતિ, સુરક્ષા, નેતૃત્વ તથા સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરદાર પટેલ રમત સંકુલ, જૂનાગઢ ખાતે ક્રીડા ભારતીના આયોજન હેઠળ મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે તેમજ સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરણા મળે તે હેતુસર ત્રણ અલગ વયજૂથમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા, જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાય, ભાજપ ઉપાધ્યક્ષ જ્યોતિબેન વારોડાળ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતીના ઉપાધ્યક્ષ ડો. એમ.પી. તાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓને ક્રીડા ભારતી દ્વારા સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને રમતગમત તથા સ્વસ્થ જીવનશૈલી માટે આગળ આવવા પ્રેરણા આપી હતી.
