હિન્દ ન્યુઝ, નવસારી
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા ઉજવાતા “સુજલામ શક્તિ દિવસ” નિમિત્તે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના રહેજ ગામ ખાતે “જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસ”ની ઉજવણી કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને નવસારીના સંસદસભ્ય સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જલ અર્પણ કુંડમાં પ્રતિકાત્મક જલ અર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રતિકાત્મક વિધિ દ્વારા જળ સંરક્ષણ, પાણી પ્રત્યે આદરભાવ અને સંવર્ધનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા માટે અનેક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે અને તેમાં મહિલાઓનો ફાળો અમૂલ્ય છે. સ્વચ્છતા જાળવવી એ આપણી સૌની નૈતિક ફરજ છે. સરકારની વિવિધ યોજનાઓના અમલથી છેવાડાના ગામડાંઓ સુધી પીવાનું પાણી પહોંચ્યું છે અને આજે સરકારના પ્રયાસોથી ઘરે ઘરે નળથી જળ’ની સુવિધા ઉપલબ્ધ બની છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાણી આપણા જીવન માટે અત્યંત અમૂલ્ય ભેટ છે, તેથી દરેક નાગરિકે પાણીનો યોગ્ય વપરાશ કરવો આવશ્યક છે. પાણી બચાવવા માટે વોટર હાર્વેસ્ટિંગ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે તમામ લોકોએ સહયોગ કરવો જોઈએ. જળ જીવન મિશન માટે બજેટમાં કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેના કારણે દેશભરમાં જળ સંચય અને પાણી પુરવઠાની કામગીરીને વધુ વેગ મળ્યો છે. જલ જીવન મિશનના અમલથી ગામડાંઓમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો રાષ્ટ્રીય સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. રહેજ ગામમાં આંતરિક પેયજળ યોજનાની પૂર્ણતા ગામના વિકાસ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તેમણે પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવા તથા જળ સંરક્ષણ માટે દરેક નાગરિકે સક્રિય ભાગીદાર બનવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગણદેવી તાલુકાના ઘણા ગામોમાં અગાઉ દરિયાકાંઠાના વિસ્તારમાં હોવાને કારણે ભૂગર્ભમાં ખારું પાણી આવવાની સમસ્યા હતી. રાજ્ય સરકારના પ્રયાસોથી હવે આ સમસ્યાનું નિરાકરણ આવી રહ્યા છે , તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાણી અમૂલ્ય સંપત્તિ છે, તેથી તેનો બગાડ થવો જોઈએ નહીં. આજે સમગ્ર દેશમાં જળ સંચય અભિયાનને વેગ મળ્યો છે. પાણીનું સંરક્ષણ અને સ્વચ્છ પેયજળની સુવિધા ગ્રામ વિકાસ માટે અત્યંત જરૂરી છે. લોકભાગીદારી અને ખાસ કરીને મહિલાઓની સક્રિય ભાગીદારીથી જ જળ સંરક્ષણના પ્રયાસોને વધુ સફળ બનાવી શકાય છે.
આ અવસરે જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)ના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, પાણી દરેક જીવ માટે અનિવાર્ય છે. તેથી રાજ્ય સરકાર દરેક નાગરિક સુધી પૂરતું અને સ્વચ્છ પાણી પહોંચે તે માટે સતત કામગીરી કરી રહી છે. નવસારી જિલ્લામાં જલ જીવન મિશન અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગામડાંઓ સુધી ગુણવત્તાસભર પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જલ જીવન મિશનના અસરકારક અમલથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થા વધુ સુદૃઢ બની છે અને લોકોના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો આવી રહ્યો છે.
આ અવસરે ગામમાં પાણી પુરવઠાની વ્યવસ્થા મજબૂત બનાવવા અને મહિલાઓની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે મહિલા પાણી સમિતિઓને ચેક વિતરણ કરાયા હતા. તેમજ પાણી વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતી મહિલા વાલ્વ ઓપરેટરોને સન્માનિત કારાય હતી. સાથે જ આત્મનિર્ભરતા અને ગ્રામ વિકાસમાં યોગદાન આપતા સ્વયં બચત મંડળો અને જિલ્લાના શ્રેષ્ઠ આંગણવાડી સેવિકાઓને “યશોદા એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી હતી.તેમજ જિલ્લાના વિવિધ વિભાગોની સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરાયું હતું.
આ અવસરે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્ય મંત્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ જળ સંચય અને જળ સંરક્ષણ માટે સંકલ્પપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી
આ પ્રસંગે રાજ્ય સરકારના નર્મદા જલ અને કલ્પસર વિભાગના અગ્રસચિવ શ્રીમતી શાહમીના હુસૈન, ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ અને મિશન ડાયરેક્ટર કમલ કિશોર સોન, પેયજળ ડિરેક્ટર હરિ નારાયણ , વાસ્મો મુખ્ય કાર્યકારી અધિકારી સ્તુતિ ચારણ તથા કેન્દ્ર તથા રાજ્યના ઉચ્ચ અધિકારી કાર્યક્રમમાં સહભાગી થયા હતા .
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે સ્વાગત પ્રવચન કરી નવસારી જિલ્લામાં થયેલ જળ સંચયના કામોની વિગતવાર માહિતી સાથે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંતકુમાર શાહ, નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, વાંસદા પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
