હિન્દ ન્યુઝ, વલસાડ
માર્ચ મહિનાના પહેલા રવિવારે વલસાડની બે જાહેર જગ્યા સર્કિટ હાઉસ પાસે અને એસ. ટી. વર્ક શોપ ની સામે ક્રોમા પાસે ફૂટપાથ ઉપર સવારે 7:30 થી 9:30 પુસ્તક પરબ મંડાય હતી. પુસ્તક પરબ હોળીના તહેવાર સાથે વધુ રંગીન રહી.
પરબમાં 30 જેટલા નવા વાચકો સાથે આશરે 270 લોકોએ મુલાકાત લીધી. પરબમાં 451 પુસ્તકોને વાચકો મળ્યા. વાચકો પુસ્તક પરબ દ્વારા વાંચન તરફ વળ્યાનો આનંદ પણ પ્રગટ કરતા જોવા મળ્યા.

પુસ્તક પરબના ચેરપર્સન ડૉ. આશા ગોહિલ (પ્રોફેસર, મોટાપોંઢા કોલેજ), હાર્દિક પટેલ (એડવોકેટ નોટરી) તથા સમગ્ર ટીમ દ્વારા આયોજિત થાય છે. ટીમના સભ્યો વાચકોને ગમતું પુસ્તક શોધી આપવામાં મદદ કરે છે અને વાચકો ગમતાં પુસ્તકોની માંગ કરતા હોય છે. તો વળી વાચકો પોતાની પાસે રહેલા પુસ્તકો પરબને ભેટ આપતા હોય છે. વાચકો પુસ્તક ગોઠવવામાં તો અંતે સમેટવામાં મદદ કરતા હોય છે પરિણામે તો પરબ આટલી સમૃદ્ધ બની રહી છે!! સવારે 7:30 વાગ્યે નાના બાળકો સહિત વાચકો હાજર થઈ જતા હોય છે. 9:30 પછી કોઈક કારણોસર મોડા પડ્યાના વસવસા સાથે દોડીને આવતા હોય છે. આ બાબતો પરબની ટીમને કામ કરવાનું બળ આપે છે.
વલસાડ, ચીખલી, બીલીમોરા, ડુંગરી, રૂમલા અને ધરમપુરથી જોડાયેલા પુસ્તક પરબ, વલસાડની ટીમના સભ્યો સમયસર હાજર રહી પરબને નિયમિત ચલાવવામાં એમનો સમય, શક્તિ, સૂઝ આપી રહ્યાં છે. પુસ્તક પરબ પાસે 15000 થી વધારે પુસ્તકો છે જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનો સમાવેશ થાય છે. આ પુસ્તકોમાં બાળસાહિત્ય, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, મોટિવેશનના પુસ્તકો, વાર્તા, નવલકથા, કવિતા, વિવેચન તથા વિવિધ પ્રકારના પુસ્તકોનો સમાવેશ થાય છે.આ સફરમાં 10,000થી વધુ પુસ્તકો વંચાયા છે જેનો આનંદ છે. વલસાડના લોકો પરબને પ્રોત્સાહન આપી રહ્યા છે વાચકો પણ પરબની ટીમને મદદ કરી રહ્યા છે ત્યારે પુસ્તક પરબ વલસાડ હરહંમેશ પ્રતિબદ્ધતાથી કાર્ય કરતી જ રહેશે એવી નિસબત પ્રગટ કરે છે.
વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ
