હિન્દ ન્યુઝ, પોરબંદર
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આર્ય કન્યા ગુરુકુળ, પોરબંદર ખાતે વિદેશ રોજગાર અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર તથા વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર ભાવનાબેન મોઢવાડિયાએ કોલેજની વિદ્યાર્થીનીઓને કારકિર્દી ઘડતર, પરીક્ષાનો ડર દૂર કરવાની રીતો, વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અને ટીમ વર્ક, મનની શક્તિ તથા કારકિર્દી માટે લક્ષ્ય નિર્ધારણ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું.
પોરબંદર જિલ્લા રોજગાર અધિકારી દિનેશભાઈ પરમારે ધોરણ ૧૦–૧૨ પછીના વિકલ્પો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, કારકિર્દીનો ઘડતર તથા ગોલ સેટિંગની પ્રક્રિયા અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી ઘડવા માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્રના ઓવરસીઝ કાઉન્સેલર હમિરભાઈ ચૌહાણ દ્વારા વિદેશ અભ્યાસ અને રોજગાર સંબંધિત પાસપોર્ટ પ્રક્રિયા, વિઝા નિયમો, જરૂરી દસ્તાવેજો, વિદેશમાં અભ્યાસ તથા રોજગારીની તકો, લોન, સરકારી યોજનાઓ તેમજ વિદેશ ગમનમાં ફ્રોડથી બચવાના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનાર દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર યોજાઈ વિદ્યાર્થીઓના વિદેશ રોજગાર સંબંધિત પ્રશ્નોના સંતોષકારક ઉકેલ આપવામાં આવ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રોફેસર નયનભાઈ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું.
