હિન્દ ન્યુઝ, બારડોલી
રાજ્યભરમાં ઝેરમુક્ત કૃષિ પદ્ધતિને વેગ આપવા તેમજ ખેડૂતોને રસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા સુરત જિલ્લામાં યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો, તાલીમની સાથે લોકોને ઘરઆંગણે જ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ઉપલબ્ધ બન્યા છે.
તાલુકા વહીવટીતંત્રના સહયોગથી સુરત જિલ્લા પ્રાકૃતિક કૃષિ બોર્ડ દ્વારા બારડોલી તાલુકામાં સપ્તાહના બે દિવસ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર કાર્યરત કરાયું છે. જેમાં દર સોમ અને ગુરૂવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા દરમિયાન નગરજનો ગૌ આધારિત ખેતીથી ઉત્પાદિત શાકભાજી, ફળો સહિતની પોષણયુક્ત ખેતપેદાશોનો લાભ મેળવે છે. આ બજારના પરિણામે નગરજનો ઝેરમુક્ત ખેતપેદાશોનો લાભ લઇ શકે છે અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પણ તેમની ખેતપેદાશોના યોગ્ય વેચાણની તક પ્રાપ્ત થાય છે.
