કડોદરામાં ‘સ્વદેશી મેળા’ દ્વારા નારીશક્તિ અને સ્થાનિક કલાને મળ્યું પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, કડોદરા

    શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (ગુજરાત શહેરી આજીવિકા મિશન) તથા કડોદરા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા ચાર રસ્તા પાસે આવેલા અકળામુખી મંદિર ગ્રાઉન્ડ ખાતે તા.૨ માર્ચ સુધી આયોજિત સ્વદેશી-મેળાનો પ્રારંભ થયો છે. 

             વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી આયોજિત આ મેળાને આજે જ કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નારાયણીબેન શર્મા, અંકુરભાઈ દેસાઈ, ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી તથા સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નારાયણીબેને મેળાના આયોજનોથી સ્થાનિક સ્તરે કારીગરોની સુષુપ્ત કલાને યોગ્ય મંચ મળે છે અને નાના ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ વધે છે, ત્યારે આ સ્વદેશી મેળો તા. ૨ માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. કડોદરા અને આસપાસના વિસ્તારના નાગરિકોને આ મેળાની મુલાકાત લેવા ખાસ અપીલ કરી હતી.

           આ મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કડોદરા સહિત પલસાણા, કામરેજ, ઓલપાડ અને બારડોલી તાલુકાની સખી મંડળની બહેનો અને કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી શુદ્ધ અને ગુણવત્તાસભર વસ્તુઓનું પ્રદર્શન-વેચાણ રાખવામાં આવ્યું છે. 

            અહીં હાથબનાવટના ગૃહ સુશોભન અને હસ્તકલાના નમૂનાઓ, પરંપરાગત વસ્ત્રો તેમજ શુદ્ધ મસાલા, અથાણાં અને પાપડ જેવી ખાણી-પીણીની વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા આ ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચતા હોવાથી વચેટિયાઓ દૂર થાય છે અને કારીગરોને તેમની મહેનતનું પૂરું વળતર મળી રહે છે.

            આમ, સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળે અને આપણું સ્થાનિક અર્થતંત્ર વધુ મજબૂત બને, મોલ કે ઓનલાઇન શોપિંગના બદલે ઘરઆંગણે બનતી ચીજવસ્તુઓ ખરીદીને ‘સ્વદેશી’ અપનાવવાનો આ એક શ્રેષ્ઠ અવસર છે.

Related posts

Leave a Comment